જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજી સરવૈયાના ભત્રીજા અનિલ સરવૈયાને રાજકોટ એલસીબી ગ્રામ્યના સ્ટાફે દબોચ્યો
ભાજપના ઓઠા તળે ખૂબ ભાગ્યો પણ અંતે કાયદાએ કાયદાનું કામ કર્યું !
સંસ્કારોનું સિંચન કરતી શાળાના સંચાલકે જ સંસ્કારોનું કર્યું ચીર હરણ
જેતપુર તાલુકાના વીરપુર જલારામ લગ્નનું બોગસ સર્ટિફિકેટ બનાવીને એક યુવતીને સંબંધ રાખવા દબાણ કરનાર અને પોલીસ દફતરે આરોપી તરીકે નોંધાયેલ ધારાશાસ્ત્રી અને સ્કૂલ સંચાલક એવા યુવાનને રાજકોટ એલસીબી સ્ટાફ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે લોકલ ક્રાઇમ બ્રાંચના હાથે પકડાયેલા તહોમતદાર જેતપુર તાલુકા ભાજપના પ્રમુખનો ભત્રીજો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
બનાવની વિગતો મુજબ વીરપુરમાં રહેતી એક યુવતીએ પોતાની છેડતી કરીને જાતિ પ્રત્યે હડધૂત કર્યાની વીરપુર પોલીસમાં ફરિયાદ કરીને તહોમતદર તરીકે જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજી સરવૈયાના ભત્રીજા અને ખાનગી શાળા હેત પ્રાયમરી સ્કૂલના સંચાલક અનિલ ભનુ સરવૈયાનું નામ આપતા પોલીસે તેની સામે કલમ 354 ( ક ),506 ( 2 ) એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધતા એસસીએસટી સેલના અધિકારી દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિરપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી તેમજ છેડતી કરવા સબબ ગુનો નોંધાતા પોલીસે અનિલ ભનુ સરવૈયાને શોધવા કવાયત આદરી હતી.
પરંતુ પોતાના કાકા વેલજી સરવૈયા જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ હોય તેમના ઈશારે અનિલ લાંબા સમયથી નાસતો ફરતો હતો. ભાજપના આગેવાન હોવાના નાતે એક તબક્કે પોલીસ પણ અનિલને પકડવા માટે સંકોચ અનુભવતી હતી. પરંતુ કાયદો કાયદાનું કામ કરે જ છે તેવું સાબિત કરીને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે અંતે અનિલને ઝડપી લીધો હતો.
……..
: અનિલે ક્યાં કારાનામાં કર્યા ?
જેતપુર :યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અનિલ વીરપુરમાં હેત પ્રાઇમરી સ્કુલ ચલાવે છે. અગાઉ લલચાવી ફોસલાવી અનિલે યુવતી સાથેનું લગ્ન નોંધણીનું બોગસ સર્ટિ બનાવી લીધું હતું.ત્યારબાદ યુવતીને હવે આપણે પતિ પત્ની બની ગયા છીએ. તેવી લાલચ આપતો હતો. દરમિયાન અવારનવાર આ મામલે ઝઘડો કરતા યુવતીએ આ તમામ સઘળી હકીકત તેમના માતા પિતાને જણાવતા જ્ઞાતિના આગેવાનોને સાથે રાખી અનિલને બોલાવી તેની સાથે છુટાછેડા કરાવ્યા હતા.
: હવસખોરે સગાઈ તોડાવી નાખી !
યુવતીએ પોલીસને કહ્યું હતું કે છૂટાછેડા બાદ તેણીની અન્ય યુવક સાથે પરિવારે સગાઈ કરાવી હતી. આ વાતની જાણ અનિલને થતા લગ્ન નોંધણીના સર્ટિ અને ફોટા યુવકને મોકલી યુવતીની સગાઈ તોડાવી નાખી હતી. આમ છતાં અનિલ અવારનવાર યુવતીનો પીછો કરી પજવણી કરતો હતો. તેમની સ્કૂલ નજીક જ શારીરિક અડપલાં કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અને બાબતે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ડરીને માતા પિતાને આ બાબતે હકીકત જણાવી વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ એલસીબી ગ્રામ્ય સ્ટાફે ઉઠાવી લીધો
જેતપુર :વીરપુર પોલીસ સ્ટેશનમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવાની સૂચના મળતા રાજકોટ ગ્રામ્ય એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દમિયાન હકીકત મળતા અનિલ ભનુ સરવૈયાને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગિરીમાં નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ તેમજ એલસીબીનાં પોલીસ ઇન્સ.એ.આર.ગોહિલ તેમજ પો.સબ.ઇન્સ.એસ.જે.રાણા,એ.એસ.આઈ.
મહેશભાઈ જાની,પો.હેડ કોન્સ.નિલેશભાઈ ડાંગર, શક્તિસિંહ જાડેજા, પો.કોન્સ.દિવ્યેશભાઈ સુવા. કૌશિકભાઈ જોષી જોડાયા હતા.
હરેશ ભાલીયા જેતપુર


