સુરત
સુરતમાં ૭૦૦થી વધુ તબીબો હડતાળ પર ઉતર્યા છે. એનપીએની માગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર દ્વારા તેને પૂર્ણ કરવામાં આવી રહી નથી. સમયસર જે એલાઉન્સ મળવા જાેઈએ તે એલાઉન્સ પણ આપવામાં આવતા નથી. ટીકુ કમિશનની પણ અમલવારી થવી જાેઈએ તેનાથી પણ ડોક્ટરોને વંચિત રાખવામાં આવી રહ્યા છે. આશ્ચર્યજનક બાબત છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા બાદ પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી. જેને કારણે ડોક્ટરોમાં ભારે રોષ છે. વર્ષોથી અમારી પેન્ડિંગ માગણી હોવા છતાં પણ સરકારે અમારી માગ પૂરી ન કરતા આખરે અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. વડોદરા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના ૨૫૦ તબીબો પણ હડતાળમાં જાેડાયા છે. તેઓ મેડિકલ કોલેજ ખાતે ભેગા થયા હતા અને દેખાવો કર્યા હતા. જાે દર્દીઓનો ધસારો વધશે તો પરિસ્થિતી ખરાબ થશે તેમ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું. વડોદરા મેડિકલ ટીચર્સ એસોસિએશનના સેક્રેટરી બિજયસિંગ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી પગાર, પેન્શન, સેવા સહિતના પ્રશ્નોનો નિકાલ ન આવતા આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે. વડોદરા મેડિકલ ટીચર્સ એસોસિએશનના ૨૫૦ તબીબો હડતાળ ઉપર ઉતરતા સરકારી હોસ્પિટલોની હાલત પેરાલિસિસ જેવી થઇ ગઇ છે. સરકાર ઇન્ટર્નશીપ ડોક્ટરોના ભરોસે હોસ્પિટલ ચલાવી રહી છે. હવે જ્યાં સુધી લેખિતમાં અમારા પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી નહીં આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લાની હોસ્પિટલ સહિત કુલ ૩૩૦ જેટલા ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે આજરોજ સિનિયર ડોકટરો સિવાયના તબીબો ફરજ પર હાજર હોવાના કારણે ઈમરજન્સી વિભાગ તેમજ ઓપીડી વિભાગ કાર્યરત છે. જ્યારે કે, ઓપરેશન થિયેટર હાલ ખાલી ખમ જાેવા મળી રહ્યા છે. સર્જીકલ સહિતના ઓપરેશન થિયેટર માં માત્ર નર્સિંગ સ્ટાફ તેમજ રેસિડન્ટ તબીબોએ જાેવા મળી રહ્યા છે. જ્યારે કે ઇએનટી ઓપરેશન થિયેટર હાલ રેસિડન્ટ તબીબને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલ સિનિયર તબીબોના કારણે શરૂ છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ડોક્ટર્સની સાથે આરોગ્ય કર્મચારીઓનું પણ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. આ હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સ એસોસિયેશન, જીએમએસ કલાસ ૨ મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ઇએસઆઈએસ ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યાં છે.કોરોનાકાળ દરમિયાન રાત દિવસ ફરજ બજાવનાર તબિબોની પડતર માગણીઓનો ઉકલ ન આવતા રાજ્યના સરકારી તબીબો આજથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. ડોક્ટરો દ્વારા તેમની પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરો દ્વારા જ્યાં સુધી તેમની માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ડોક્ટર દ્વારા અત્યાર સુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી. પરંતુ સરકારે માત્ર મૌખિક બાંહેધરી આપતા તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી. આ વખતે ડોક્ટર પોતાના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડોક્ટરોની હડતાળના કારણે હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.
