છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ નવજીવન સ્કૂલમાં છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની સમગ્ર સભા યોજાઈ હતી . જેમાં નસવાડી હાઈસ્કૂલના શિક્ષક અને સંઘના હાલના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેવ વયનિવૃત થતા હોઈ તેઓએ રાજીનામું આપ્યું હતું . જે આ સમગ્ર સભામાં સર્વાનુમતે મંજૂર કરાયું હતું . અને પ્રમુખ સ્થાને ડુંગરવાટ હાઈસ્કૂલમાં શિક્ષક અને સંઘના હાલના મહામંત્રી મિતેશભાઈ પંચાલ ( ચકા ) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી . મિતેશભાઈ પંચાલ મહામંત્રીના બદલે પ્રમુખ બનતા મહામંત્રીની જગ્યા ઉપર નાનીટોકરી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા રાકેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ બંને મહત્વના પદો ઉપરની વરણીને ઉપસ્થિત સૌ શિક્ષકોએ વધાવી લીધી હતી . આ સાથે નવાકારોબારી સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી .
જેમાં ૨૦ જેટલા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો . ઉપપ્રમુખ – મયુર શેઠ , ખજાનચી – મુકેશકુમાર પરમાર , મંત્રી – કલ્પેશભાઈ એમ . પટેલ , સહમંત્રી – મહેન્દ્રસિંહ સુથાર , સંગઠન મંત્રી – દિનેશકુમાર બારીયા , મીડિયા કન્વીનર – અરુણકુમાર રાજ , અન્વેષક – જીતેન્દ્રસિંહ રાઠોડ અને સમયુદીન અન્સારીની પણ નિમણૂક કરવામાં આવી હતી . અત્રે ઉલ્લેખનીય છે કે , વડોદરા જિલ્લામાંથી છૂટા પડેલ નવનિર્મિત છોટા ઉદેપુર જીલ્લો જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ દેવ અને મહામંત્રી તરીકે મિતેશભાઈ પંચાલ ફરજ બજાવી રહ્યા હતા . અને ત્યારથી જ તેઓ સતત શિક્ષકોના પ્રશ્ને જાગૃત રહી શિક્ષકોના પ્રશ્નોનું સમાધાન કરતા આવ્યા છે . જેના કારણે આ બંને શિક્ષકો શિક્ષક આલમમાં સારી એવી છાપ ધરાવી રહ્યા છે . હાલમાં જયારે નવા હોદ્દેદારોની વરણી કરાઇ છે ત્યારે સમગ્ર જિલ્લાના શિક્ષકો અપેક્ષા રાખી રહ્યા છે કે , આ નવી ટીમ પણ મજબૂત રીતે કાર્ય કરશે અને શિક્ષકોના પ્રશ્નોનું સત્વરે સમાધાન લાવશે .
આમ , છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની વરણી થતાં શિક્ષક આલમમાં આનંદની લાગણી છવાઈ છે અને આ વરણીને શિક્ષકોએ વધાવી લીધી હતી .
ફોટોલાઈન :- છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે મિતેશભાઈ પંચાલ ( ચકાભાઈ ) ની તેમજ અન્યના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જે તસવીરમાં નજરે પડે છે.
તસવીર :-
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


