શહેરના અમરધામ સોસાયટીમાં મકાન ઉપર વીજળી પડતાં છતને નુકશાન:શહેરમાં 2 ઇચ વરસાદ નોંધાયો.
ચાર દિવસના વિરામ બાદ આજે જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અષાઢી બીજનું શુકન મેઘરાજાએ સાચવ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
સાંજના 7 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.વાવણી લાયક વરસાદ પછી મેઘરાજાએ પધારમણી ન કરતા પાક સૂકાવા લાગ્યા હતા. પરંતુ આજે વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા વાવણી બાદ સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ આજે અષાઢી બીજ હોવાથી મેઘરાજાએ મુહૂર્ત સાચવતા લોકોમાં ખુશીનો માહોલ છે.
જેતપુરમાં 3 વાગ્યા આસપાસ થી ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું વરસાદ થી શહેરના ધોરાજી રોડ,ખોડપરા વડલીચોક માં ભરાયા પાણી તેમજ નવાગઢમાં આવેલ SBI બેક ના દરવાજા પાસે પાણી પહોંચ્યુ હતું
જ્યારે શહેરના અમરધામ સોસાયટીના રાધા પાર્કમાં આવેલ મકાન ડી -14 માં વીજળી પડી હતી.વીજળી પડતાં છત માં નુકશાન થયું હતું.તેમજ ઘર તેમજ આજુબાજુના ઘરોના ઉપકરણો બળીને ખાખ થયા હતા જોકે સદનસીબે જાનહાની ટળી હતી.
જ્યારે યાત્રાધામ વીરપુરમાં સવારથી જ અસહ્ય ગરમી બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે 3 વાગ્યાની આસપાસ મેઘરાજાએ જાણે અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદને લઈને વીરપુરના રોડ-રસ્તાઓ પાણી પાણી થયા હતા. જ્યાંરે ધોધમાર વરસાદને લઈને બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે વીરપુરની તેલહોકરી, મોટાપુલ સહિતના નાળાઓમાં ઘોડાપૂરની માફક પાણી વહ્યું હતું. જેઠાબાપાના મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો.


