મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક ૩૫ વર્ષીય મહિલા પર ત્રણ પુરુષો દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, બાદમાં તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. આ માહિતી શનિવારે પોલીસે આપી હતી. કારધા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજેશ થોરાટે જણાવ્યું કે, પુલ પાસે એક મહિલા નગ્ન હાલતમાં પડી હોવાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે વધુમાં કહ્યું, ‘મહિલાને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાંથી તેની વધુ સારવાર માટે નાગપુર મેડિકલ કોલેજ રિફર કરવામાં આવી હતી. પીડિતાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. ગોંદિયાના એસપી વિશ્વ પાનસરેએ જણાવ્યું કે આ કેસ ગોંદિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. “અમે કેસ નોંધ્યો અને બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. વધુ તપાસ ચાલુ છે. પોલીસે જે બે આરોપીને પકડ્યા છે, તે અમિત સરવે અને મોહમ્મદ અન્સારી છે. બંને આરોપીઓને ૮ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અન્ય આરોપીને શોધી રહી છે અને આ બાબતે ગોંદિયા જિલ્લાના ગોરેગાંવથી લાખાણી સુધીના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હાલ, મહારાષ્ટ્ર સરકારે ભંડારા જિલ્લાના ગોંદિયામાં ભયાનક સામૂહિક બળાત્કાર કેસની તપાસ કરવા માટે એક મહિલા આઈપીએસ અધિકારીના નેતૃત્વમાં એસ.આઈ.ટીની રચના કરવાનો ર્નિણય લીધો છે. હાલમાં જીવન સામે લડી રહેલી પીડિતા પર ૩-૪ લોકોએ ક્રૂરતાપૂર્વક સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હાલ મહિલાની નાગપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે, અને વહેલી તકે પગલાં લેવા જણાવ્યું હતું.

