સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસે દેખા દીધી છે ત્યારે ગીર સોમનાથ વહીવટી તંત્ર પણ પશુઓમાં પૂરઝડપે રસીકરણની કામગીરી કરી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં સોમવારે ૧૮૫૭ અને મંગળવારે વધુ ૨૭૦૫ દૂધાળા પશુઓમાં એમ બે દિવસમાં ૪૫૦૦ કરતાં વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેથી હવે ગીર સોમનાથ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા કુલ ૧,૮૭,૪૭૮ પશુઓનું રસીકરણ પુર્ણ થયું છે.
સમગ્ર જિલ્લામાંથી સુત્રાપાડામાં ૩૧૮, વેરાવળમાં ૩૪, ગીર ગઢડામાં ૨૯ અને કોડીનારમાં વધુ 3 એમ કુલ 384 પશુઓ લમ્પીને હરાવીને સ્વસ્થ થયા છે. જ્યારે મંગળવારે વેરાવળમાં ૨૧૦, તાલાલામાં ૪૫, ગીરગઢડામાં ૧૪૦ તેમજ ઉનામાં ૧૫૩૦ અને કોડીનારમાં ૭૮૦ પશુઓને લમ્પી વાઈરસની વેક્સીન આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ વાઈરસજન્ય રોગ માખી, ઈતરડી તેમજ મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાતો જોવા મળે છે. દૂધાળા પશુઓમાં આ રોગનું પ્રસરણ વધું ફેલાતું અટકાવવા માટે પશુપાલન આરોગ્ય વિભાગની ટીમ રીંગ વેકસીનેશન સહિતના ઉપાયો અજમાવી રહી છે.


