જૂનાગઢ
ભારત સરકારના પે જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૫ સપ્ટેમ્બર થી તા.૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવી હતી. આ કેમ્પેઈનની ઉજવણીની પૂર્ણાહુતિના ભાગરૂપે સરપંચોને સ્વચ્છતાને લગતી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ સ્વચ્છતાની શ્રેષ્ઠ કામગીરી કરનારા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતાની થીમ પર શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢના નિયામક પી.જી.પટેલના નેતૃત્વમાં જિલ્લાના ગામોમાં બીજી ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢ તાલુકાના બિલખા ગામે આયોજિત કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બીલખા, ઈવનગર અને મેવાસા કમરીના સરપંચને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તારીખ ૧૭થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતાની થીમ ઉપર જિલ્લામાં જાહેર સ્થળોની સ્વચ્છતા, જળાશયો આસપાસ સ્વચ્છતા તેમજ વૃક્ષારોપણ, શાળામાં સ્વચ્છતા અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ ઉપરાંત વહેલી સવારે ગ્રામજનો દ્વારા, પ્રભાતફેરી શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા રેલી તેમજ સરપંચો પદ અધિકારીઓને ગ્રામજનો સાથે સ્વચ્છતા સંવાદ યોજી સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યાં હતા.

