રાંચી
ભારતના બીજી હરોળની ટીમે આફ્રિકાના બોલિંગ આક્રમણનો લડાયક રીતે સામનો કરીને બીજી વન-ડેમાં જીત નોંધાવીને શ્રેણીમાં ૧-૧ની બરોબરી કરવામાં સફળતા મેળવી છે. રાંચીમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતના યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઈશાન કિશને શાનદાર ફટકાબાજી કરી હતી. ઐયરની અણનમ સદીના સહારે ભારતે દક્ષિણ આફ્રિકાના ૨૭૯ના લક્ષ્યને ૨૫ બોલ બાકી હતા ત્યારે ત્રણ વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે ૨૭૮ રન નોંધાવ્યા હતા. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન-ડે ૧૧મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં રમાશે. મેન ઓફ ધ મેચ શ્રેયસ ઐયરે તેની વન-ડે કારકિર્દીની બીજી સદી ફટકારતા ૧૧૧ બોલમાં ૧૧૩ રનની અણનમ ઈનિંગ રમી હતી. જ્યારે ઈશાન કિશને ૮૪ બોલમાં ૯૩ રન ફટકાર્યા હતા અને તે સાત રનથી સદી ચૂકી ગયો હતો. સંજૂ સેમસન ૩૦ રન કરી નોટ આઉટ રહેતા ભારતે ૪૫.૫ ઓવરમાં ટારગેટ ચેઝ કર્યો હતો. કિશને ચાર ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારતા વિસ્ફોટક બેટિંગ કરી હતી. ભારતીય ટીમના સુકાની શિખર ધવન ૧૩ રને જ્યારે ઓપનર શુભમન ગિલે ૨૮ રન કર્યા હતા. ભારતીય ટીમે ૪૮ રનમાં બે મહત્વની વિકેટ ગુમાવતા એક તબક્કે લક્ષ્ય કપરો જણાતું હતું પરંતુ ઐયર અને કિશન વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૬૧ રનની ભાગીદારીથી બાજી પલટાઈ ગઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ લીધી હતી. બાવુમાના સ્થાને કેશવ મહારાજે કેપ્ટનશિપ સંભાળી હતી. માર્કરમે ૭૯, હેન્ડ્રિક્સે ૭૪, ક્લાસેને ૩૦ રન જ્યારે મિલરે ૩૫ રનની અણનમ ઈનિંગ રમી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરતા ૧૦ ઓવરમાં એક મેઈડન ફેંકી હતી અને ત્રણ વિકે ઝડપી હતી. દીપક ચાહરના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા વોશિંગ્ટન સુંદરે એક સફળતા મેળવી હતી. આ ઉપરાંત શાહબાઝ, કુલદીપ અને શાર્દુલે પણ એક-એક વિકેટ ઝડપી હતી. રાંચીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વન-ડેમાં ટોસ દરમિયાન એક રમૂજી ઘટના થઈ હતી. મેચ રેફરી જવાગલ શ્રીનાથ મેદાનમાં બન્ને ટીમના કેપ્ટન સાથે પહોંચ્યા હતા. જ્યારે એન્કર સંજય માંજરેકરે પૂછ્યું કે ટોસ માટે સિક્કો કોણ ઉછાળી રહ્યું છે ત્યારે શિખર ધવન અને કેશવ મહારાજ એકબીજાની સામે જાેવા લાગ્યા હતા. ટોસનો સમય થઈ ગયો હતો પરંતુ શ્રીનાથ પોતાના ખીસ્સામાંથી ટોસનો સિક્કો આપવાનું ભૂલી ગયા હતા. ત્યારબાદ માંજરેકરે આ તરફ તેમનું ધ્યાન દોર્યું હતું અને શ્રીનાથે શિખરને સિક્કો આપ્યો હતો. આ ઘટનાને પગલે મેદાનમાં રમૂજનું મોજું ફરી વળ્યું હતું.


