વઢવાણ
ધ્રાંગધ્રા શહેરના ખજુરી પા વિસ્તારમાં આવેલા દેરાસરમાં અને ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર ચુલી ગામ પાસે આવેલા દેરાસરમાંથી તસ્કરો સોના ચાંદીના આભૂષણ અને દાન પેટીની ચોરી કરી લઈ જતા ધ્રાંગધ્રા સીટી અને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ચોરી કરતા શખસો સીટી ટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા સીટી ટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ધ્રાંગધ્રા પંથકમાં થોડા દિવસથી ચોરીના બનાવ વધવા લાગ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના ખજુરી પા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ધોળા દિવસે ૨ શખસ બાઇક પર આવી ૧ શખસ બાઇક લઈ બહાર ઉભો રહ્યો હતો. જ્યારે બીજાે દેરાસરમાં પ્રવેશ કરી મોકો જાેઈને ભગવાનને પહેરાવેલા સોના-ચાંદીના દાગીના ચોરી કરી લઈ જતો સીસીટીવીમાં કેદ થઈ જતા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે બીજા એક બનાવમાં ધ્રાંગધ્રા-હળવદ ફોરલેન હાઈવે પર ચુલી ગામ પાસે આવેલા જૈન દેરાસરમાં રાત્રીના સમયે અમુક શખસો આવી ચોકીદારને છરી દેખાડી બંધક બનાવી દાનપેટી ચોરી કરી લઈ જઈ અન્ય સામાન નહી મળતા મંદિરના ભોજનાલય સહિત જગ્યામાં તોડફોડ કરી ભાગી ગયા હતા. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આમ બનાવને લઈને વિસ્તારમાં ચકચાર ફેલાઇ જવા પામી હતી.
