નવીદિલ્હી
દેશમાં કોરોનાના કેસમાં અને સંક્રમણમાં ફરી મોટો ઉછાળો જાેવા મળ્યો છે. સવારે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં ૯,૧૯૫ કેસ સામે આવ્યા છે. બીજી તરફ કોરોનાના કારણે ૩૦૨ લોકોનાં મોત પણ થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૭૭,૦૦૨ થઈ ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે, મંગળવારની તુલનાએ બુધવારે દેશમાં કોરોનાના કેસમાં ૪૪ ટકાનો મોટો ઉછાળો જાેવા મળ્યો હતો. ગંભીર બાબત એ છે કે, માત્ર મુંબઈમાં ૨,૫૧૦ નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં મંગળવારે ૧,૩૦૦ કેસ સામે આવ્યા હતા જેની સરખામણીએ બુધવારે ડબલ કેસ સામે આવતા તંત્ર ચિંતામાં મુકાયું છે. દેશમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, લોકો જાગ્રત નહીં થાય અને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે ત્યાં સુધી મહામારીને કાબૂમાં નહીં કરી શકાય. રસીકરણનો વ્યાપ વધારવામાં આવે અને લોકો જાગ્રત થઈને ઝડપથી રસીના બંને ડોઝ લઈ લે તો પણ મહામારીને કાબૂ કરી શકાય તેમ છે. બીજી તરફ કોરોનાએ મુંબઈ માઝા મૂકી છે. અહીંયાં રોજિંદા કેસમાં ૮૦ ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે અને જાે સ્થિતિ કાબૂ બહાર જશે તો કડક નિયંત્રણો લદાશે તેવું મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે. મહારાષ્ટ્રના સાંસદ સુપ્રિયા સૂલે અને તેમના પતિ કોરોના પોઝિટિવ આવ્યાં છે. મહારાષ્ટ્રમાં બુધવારે ઓમિક્રોનના ૮૫ કેસ નોંધાયા હતા. આ સિવાય ગોવામાં નવા વર્ષને ધ્યાનમાં રાખીને આકરાં પ્રતિબંધો લાગુ કરાયા છે. નવા વર્ષની ઉજવણીમાં ભાગ લેવા માટે સંપૂર્ણ વેક્સિનેટેડ હોવાનું સર્ટિફિકેટ આપવું પડશે, કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. આ સિવાય બંગાળમાં પણ સીએમ મમતા દ્વારા કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. બિહારના સીએમ નીતીશે તો ત્યાં સુધી ચિંતા વ્યક્ત કરી દીધી છે કે રાજ્યમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. તેને કાબૂ કરવા માટે સરકાર કપરાં નિયંત્રણો લાગુ કરી શકે છે.દેશમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લુરુ જેવા મેટ્રો શહેરોમાં નવા વર્ષની ઉજવણીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઓમિક્રોનના વધી રહેલા કેસ તથા કોરોનાના કેસમાં એકાએક થઈ રહેલા ઉછાળાને પગલે મોટાભાગના શહેરોમાં અને રાજ્યોમાં આકરાં પ્રતિબંધોની તૈયારીઓ કરવામાં આવી છે. એકલા મુંબઈ અને દિલ્હીમાં ૮૦ ટકા જેટલા નવા કેસ આવતા આ ર્નિણય લેવાયો છે. આ દરમિયાન મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લુરુ દ્વારા પણ ઉજવણી ઉપર લગામ કસવાની તૈયારીઓ કરવામાં આવી છે. દિલ્હીમાં જાહેર સ્થળોએ ઉજવણી ઉપર સખત પ્રતિબંધ મુકાયા છે તથા મુંબઈમાં પણ ક્રિસમસ અને નવા વર્ષની જાહેર અને ખાનગી ક્લબો તથા અન્ય સ્થળોએ થતી ઉજવણીઓ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ચારેય મોટા શહેરોમાં રાત્રે ૧૦થી સવારના છ સુધી ૧૪૪ લાગુ કરી દેવાઈ છે અને લોકોના મેળાવડા ઉપર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત દિવસ દરમિયાન પણ ૫૦ ટકા ઓક્યુપન્સી સાથે જાહેર અને ખાનગી સ્થળોનું સંચાલન કરવાના આદેશ જારી કરાયા છે. દેશમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો ઉછાળો જાેવાયો છે. મહારાષ્ટ્રમાં ૮૫, રાજસ્થાનમાં ૨૩, ગુજરાતમાં ૧૯, તામિલનાડુમાં ૧૧ અને આંધ્રપ્રદેશમાં ૧૦ નવા કેસ સામે આવતાની સાથે દેશના કુલ કેસ ૯૪૨ પહોંચ્યા છે. દિલ્હી ઓમિક્રોનના ૨૩૮ કેસ સાથે મોખરે છે. મહારાષ્ટ્રમાં ૨૫૨ ઓમિક્રોનના કેસ છે. ગુજરાતમાં ઓમિક્રોનના ૧૯ નવા કેસ સામે આવતા જ કુલ આંકડો ૯૭ પહોંચી ગયો છે. રાજસ્થાનમાં નવા ૨૩ કેસ સાથે તામિલનાડુમાં નવા કેસ સામે આવતા કુલ આંકડો ૪૫ પહોંચ્યો છે. આંધ્રમાં પણ હવે ઓમિક્રોનના કુલ કેસ ૧૬ થઈ ગયા છે.
