શાળાનું બિલ્ડીંગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત હોય નવી શાળા બનાવવા માંગ…
ઊનાના સનખડા ગામે આવેલ શાળાનું બિલ્ડીંગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં હોય જેના કારણે શાળા છાત્રો પર જીવનું જોખમ મંડાય રહ્યુ છે. આ શાળાના બિલ્ડીંગનું બાંધકામ તાત્કાલીક કરી છાત્રોના હિતમાં કાર્યવાહી કરવામાં આવે તેવી પુનુબા માંડણભાઇ ગોહીલે રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.
સનખડા ગ્રામ પંચાયત સંચાલીત એમ જી દામાણી હાઇસ્કુલમાં ધો.૯ અને ૧૦ માં ૩૫૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ આ બિલ્ડીંગ વર્ષોથી જુનુ અને જર્જરીત હાલતમાં હોવાથી શાળામાં અભ્યાસ અર્થે આવતા તમામ છાત્રો તેમજ શિક્ષકોનું જીવ જોખમમાં મુકાય ગયેલ હોય તેમ આ જર્જરીત શાળામાં બિલ્ડીંગના રૂમમાં સ્લેબ ઉપર તિરાડો તેમજ પોપડી ઉખડી જતાં લોખંડના સળીયા દેખાય આવે છે. જેના કારણે આ રૂમમાં છાત્રોને અભ્યાસ માટે જોખમરૂપ સાબિત થાય છે. તેમજ દિવાલોમાં પણ તિરાડો જોવા મળે છે. અને ચોમાસા દરમ્યાન વરસાદનું પાણી રૂમમાં ટપકતુ હોવાથી છાત્રોના અભ્યાસ પર ગંભીર અસર પડે છે. જેના કારણે અભ્યાસ ક્રમ ખોરવાય જતો હોય છે. આજુબાજુના દશ જેટલા ગામના છાત્રો અભ્યાસ માટે આવે છે. ત્યારે છાત્રોના શિક્ષણનું ભાવી તેમજ વિકાસને ધ્યાને લઇ અને શાળાના બિલ્ડીંગનું નવું બાંધકામ કરવા માટેની મંજુરી તંત્ર દ્રારા આપવામાં આવે જેથી છાત્રો ભય વગર શાળાના રૂમમાં શિક્ષણ સારી રીતે મેળવી શકે. આમ ગ્રા.પંચાયત સંચાલીત એમ જી દામાણી હાઇસ્કુલનું જર્જરીત બિલ્ડીંગ હોય તંત્ર તેને ગંભીરતાથી લઇ જેતે વિભાગ દ્રારા આગળની કાર્યવાહી કરી તાત્કાલીક નવું બિલ્ડીંગ બનાવી આપવા માંગણી ઉઠી રહી છે.


