Gujarat

ખેડૂતો, પશુપાલકો તથા શહેરીજનોએ અમી છાંટણાને વધાવી આનંદ વ્યક્ત કર્યો

સમગ્ર જામનગર જિલ્લામાં ગત દિવસોમાં થયેલ શ્રીકાર વરસાદથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. જામનગર જિલ્લામાં સરેરાશ 402 મી.મી. જેટલો સંતુલિત વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનો તથા શહેરીજનોએ પાણીને લગતી અનેક સમસ્યાઓનો ભવિષ્યમાં અંત આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

આ અંગે લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામના ખેડૂત શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે આ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ સારો વરસાદ વરસતા તાજેતરમાં ખેડૂતોએ કરેલ વાવણી સફળ રહી છે. પૂરતું પાણી મળી રહેતાં ભવિષ્યમાં સારો પાક ઉત્પન્ન થશે જેથી ખેડૂતોને આર્થિક રીતે ખૂબ ફાયદો થશે.

 

પશુપાલક શ્રી ધનાભાઈ સુવા જણાવે છે કે અમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અમારાં માલ-ઢોરને ચરાવવા જામનગર જિલ્લામાં આવ્યાં છીએ.અહીં સારો વરસાદ થતાં પશુઓ માટે સારા પ્રમાણમાં ઘાસ ઉપલબ્ધ થયુ છે.સારો વરસાદ થયો છે ત્યારે આગામી સમયમાં પણ પશુઓ માટે ઘાસ-ચારાની કે પાણીની તકલીફ નહીં પડે.

 

જામનગર શહેરની હર્ષદમીલની ચાલીમાં રહેતા ગોહિલ ભાગીરથભાઈ જણાવે છે કે શ્રીકાર વર્ષના કારણે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં નવા નિરની આવક થઈ છે ત્યારે ઉનાળામાં જામનગર શહેરના લોકો માટે પીવાના પાણીની સમસ્યા નહીં રહે તેમજ રણજીત સાગર ડેમ ભરાવાથી અહીંની સુંદરતામાં વધારો થતાં પર્યટકો માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બનશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં આજદિન સુધીમાં કાલાવડ તાલુકામાં 434 મી.મી., જામજોધપુર તાલુકામાં 354 મી.મી., જામનગર તાલુકામાં 391 મી.મી., જોડિયા તાલુકામાં 620 મી.મી., ધ્રોલ તાલુકામાં 374 મી.મી.તથા લાલપુર તાલુકામાં 236 મી.મી. મળી કુલ 402 મી.મી.જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.ધીમી ધારે વરસેલો આ વરસાદ જિલ્લાના તમામ વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે.જેના થકી આગામી સમયમાં જિલ્લાની સિંચાઈને લગતી, પીવાના પાણીને લગતી તેમજ પશુઓ માટે ઘાસ ચારા સંબંધી અનેકવિધ સમસ્યાઓનો પણ ચોક્કસ પણે અંત આવશે.

WhatsApp-Image-2022-07-14-at-5.55.47-PM-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *