છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે એસ.પી. ઓફિસની સામે આવેલા સ્વામીનારાયણ સત્સંગ હોલમાં છોટાઉદેપુર જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન રાઠવાની અધ્યક્ષતામાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર રાજયમાં યોજવામાં આવી રહેલા નારી વંદન ઉત્સવ અંતર્ગત છોટાઉદેપુર ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજયની નારીશક્તિ સશકત થાય, તેમના હક અધિકારો પ્રત્યે જાગૃત થાય તેમજ મહિલાઓને લગતા કાયદાઓની તેમનામાં સમજ આવે એ માટે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સંબોધતા મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ લીલાબેન રાઠવાએ રાજય સરકાર દ્વારા મહિલાના સશક્તિકરણ માટે લેવામાં આવી રહેલા પગલાઓ અંગે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, રાજયની મહિલાઓ સશક્ત બને એ માટે સરકારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવી છે એમ ઉમેરી તેમણે નોકરીઓમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે એ માટે સરકારી નોકરીમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવી છે એમ વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મહિલાઓ વધુમાં વધુ સશકત બને એ માટે સતત પ્રયાસરત હોવાનું જણાવ્યું હતું.
નારી વંદન ઉત્સવની શ્રૃંખલાના પ્રથમે દિને યોજવામાં આવેલા મહિલા સુરક્ષા દિનના આ કાર્યક્રમ દરમિયાન એડવોકેટ નરગીસબેને મહિલાઓને ઘરેલુ હિંસા નિવારણ અધિનયમ-૨૦૦૫ અને તેમાં કરવામાં આવેલી જોગવાઇઓ અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય ઉપસ્થિત તજજ્ઞો દ્વારા સાયબર ક્રાઇમ અને તેનાથી બચવાના ઉપાયો, શી ટીમની કામગીરી તેમજ ૧૮૧-અભયમ હેલ્પલાઇન ડેમોન્સટ્રેશન તેમજ એપ્લિકેશન ડાઉનલોડ અંગે સમજ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઉપસ્થિત બહેનોને વિવિધ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે એ માટે માટે વિવિધ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી તેમજ યોજનાકીય પ્રચાર પ્રસાર અંગેના સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

