ભારત સરકાર દ્વારા મિલકત ધારકો માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા પ્રોપર્ટીની માપણી કરી મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. આથી બેન્ક લોન લેવા સહિતના કાર્યો માટે મિલકત ધારકો માટે પ્રોપર્ટી કાર્ડ એક કાયદાકીય દસ્તાવેજ તરીકે ગણાશે.
જૂનાગઢ જિલ્લામાં માર્ચ-૨૦૨૨થી ડ્રોન દ્વારા માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં જૂનાગઢ તાલુકાના ૪૯ ગામડાઓમાં ડ્રોન ટેકનોલોજીથી માપણી કરવામાં આવી છે. હવે આ માપણીના આધારે મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.
ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી સ્વામિત્વ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર/ભારત સરકાર માટે સરવે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ તથા મહેસુલ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવે છે.
પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી બેન્કમાં લોન લેવામાં સરળતા રહેશે. મિલકત બાબતોના વિવાદ ઘટશે. મિલકતમાં GIS based નકશા પ્રાપ્ત થશે તથા ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ મળશે તેમજ પ્રોપર્ટીકાર્ડની આકારણીમાં સરળતા થશે.
આ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તાલુકા વાઇઝ સર્વે કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ તાલુકાના ૪૯ ગામડાઓમાં ડ્રોન ફ્લાઇંગ કરી સર્વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે વિસાવદર તાલુકાના ગામડાઓમાં ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી સર્વે કરી મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. તેમ જૂનાગઢ જિલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝની યાદીમાં જણાવાયું છે.
સ્વામિત્વ યોજનાના ફાયદા જોઇએ તો.- પ્રોપર્ટીના માલિકને તેનો પ્રોપર્ટી હક્ક સરળતાથી મળશે – એકવાર પ્રોપર્ટી કેટલી છે તે જાણ્યા બાદ, તેની કિંમત સરળતાથી જાણી શકાશે – પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને, સરળતાથી બેન્ક લોન મેળવી શકાશે – ગ્રામ પંચાયત સ્તરે ટેક્સ વ્યવસ્થામાં સુધારો થશે.

