છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની મામલતદાર કચેરી દ્વારા તાલુકાના ૩૩૮૧ વ્યક્તિઓને આદિજાતિના દાખલાઓ આપવામાં આવ્યા હોવાનું જેતપુરપાવી મામલતદાર તરફથી જણાવાયું છે.
મામલતદાર જેતપુરપાવી તરફથી મળતી વિગતો અનુસાર જેતપુરપાવી તાલુકામાં મામલતદાર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રમાં જાતિના દાખલાઓ કાઢી આપવાની કામગીરી ચાલે છે. ખાસ કરીને આદિજાતિ સમાજના લોકોને ભણતર માટે તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે જાતિના દાખલાની ખાસ જરૂર પડે છે.
મામલતદાર કચેરી, જેતપુરપાવી ખાતે મોટી સંખ્યામાં આદિજાતિ સમાજના લોકો દ્વારા જાતિના દાખલા મેળવવા માટે અરજી કરવામાં આવે છે. મામલતદાર જેતપુરપાવી દ્વારા તાલુકા જનસેવા કેન્દ્રમાં આવેલી આદિજાતિ દાખલા માટેની અરજીઓનો હકારાત્મ નિકાલ કરતા તા. ૨જી ઓગષ્ટ સુધીમાં ૩૩૮૧ આદિજાતિ સમાજના લોકોને અનુસૂચિત જનજાતિના દાખલા કાઢી આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.
આ અંગે ટેલિફોનિક વાતચીત કરતા જેતપુરપાવી મામલતદારે જણાવ્યું હતું કે, થોડાક સમય પહેલા હું રજા પર હતો ત્યારે નાયબ મામલતદારને ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારે તેમણે પણ તમામ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કર્યો હતો. તેમજ મારા આવ્યા પછી પણ આદિજાતિના દાખલાઓ માટે આવેલી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરી મહેસૂલી તલાટીઓએ અરજદારોને હાથો હાથ જાતિના દાખલા તેમના ઘરે જઇને આપ્યા છે એમ જણાવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

