અમદાવાદ
ગુજરાતના નવા મુખ્યમંત્રીનું પ્રથમ બજેટ સત્ર રજૂ થવાનું છે જે ૨જી માર્ચથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ અને અંદાજપત્ર પર ચારેક દિવસ ચર્ચા થશે. આ ઉપરાંત સરકારી વિધેયકો પર પણ ચાર દિવસ ચર્ચા કરવામાં આવશે. પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. ૩૧મી માર્ચ સુધી ચાલનારાં સત્રમાં છ અથવા આઠેક દિવસ બે-બે બેઠકો યોજાશે.સત્ર દરમિયાન નવી સરકારે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવો પડશે કેમ કે, ખેડૂતોની સમસ્યા ઉપરાંત મોંઘવારી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત અન્ય મુદ્દાઓને લઇને સત્ર તોફાની બની શકે છે. સામે છેડે સરકાર પણ વિપક્ષનો સામનો કરવા સજજ થઇ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને પગલે નવી સરકાર ખેડૂતો, મહિલાઓ ઉપરાંત યુવાઓને રાજી રાખવા પ્રયાસ કરે તેવી શક્યતા છે.આ વખતે બજેટમાં નવા કરવેરા શક્યતા નહીવત છે.ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના છે. બજેટનું કદ પણ ૨ લાખ કરોડને પાર કરી જશે. નવી સરકાર નવી યોજનાઓ થકી લોકોને આકર્ષિત-પ્રભાવિત કરવા ઇચ્છુક છે ત્યારે અત્યારથી જ પાટનગર ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો દોર શરૂ થયો છે. વિવિધ વિભાગો સાથે બેઠકો શરૂ થઇ છે. તા.૩જી માર્ચે નાણાં મંત્રી વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. નાણા મંત્રી કનુ દેસાઇ પહેલીવાર વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા સત્રમાં અંદાજપત્ર માટે ધમધમાટ શરૂ થયો છે.ર


