વડોદરા
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી મહિલા ફેમિદાબીબી સૈયદએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા લગ્ન લંડન ખાતે રહેતા ખુર્શીદ સૈયદ સાથે થયા હતા. પરંતુ, વિઝાની પરીક્ષામાં અવારનવાર ફેલ થતા છૂટાછેડા થયા હતા અને કોર્ટના હુકમથી પતિ તરફથી ભરણપોષણ પેટે ૧૦ લાખ રૂપિયા મળ્યા હતા. જે રૂપિયામાંથી મકાન ખરીદવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન મહંમદ ઈરફાન મકરાણી (રહે. ખ્વાજા ગરીબ નવાઝનગર, તાંદલજા) સાથે સંપર્ક થયો હતો. મને ૫ લાખ રૂપિયાની જરૂરિયાત છે. મારૂ મકાન ગીરવે રાખો તેનું લખાણ કરી આપીશ અને તેના બદલામાં દર મહિને ૧૦ હજાર ભાડું ચૂકવીશ અને જરૂરિયાત હશે તો મકાન ખાલી પણ કરી આપીશ. ત્યારબાદ ૫ લાખ રૂપિયા રોકડા ચૂકવી મકાનના ગ્રાઉન્ડ ફ્લોરનો કરાર કર્યો હતો. જેમાં રકમ બે મહિનામાં પરત આપવાની બાંહેધરી હતી. સતત ૬ મહિના સુધી મહંમદ ઈરફાને ૧૦ હજાર પેટે ભાડું ચૂકવ્યું હતું. ત્યારબાદ વધુ ૩ લાખ રૂપિયાની જરુરિયાત દર્શાવતા ચુકવ્યા હતા અને પ્રથમ માળના મકાનનો પણ કરાર કરી પ્રતિ મહિને ૮ હજાર ભાડું નક્કી કર્યું હતું. ત્યારબાદ મહિલાને પ્રધાનમંત્રી આવાસમાં મકાન મળ્યું હોવાથી રૂપિયાની પરત માગણી કરી હતી. જાેકે, રૂપિયા પરત નહીં આપી ખોટા વાયદા કર્યાં હતા. મોહંમદ ઈરફાનએ અન્ય વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારે કરાર કરી રૂપિયા પડાવ્યા હતા. અન્ય ૬ વ્યક્તિઓ પાસેથી મકાનનો ગીરવે કરાર કરી ૧૫.૫૦ લાખની છેતરપિંડી આચરી હોવાની વિગતો સપાટી પર આવી હતી.વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એક જ મકાન અલગ-અલગ ૭ લોકો પાસે ગિરવે મૂકી પોતે ભાડું ચુકવશે તેવી ખાતરી આપી ૨૩.૫૦ લાખ ઉપરાંતની છેતરપિંડી આચરનાર ભેજાબાજ વિરૂદ્ધ જે.પી.રોડ પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
