સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવા માટે થયો નવતર પ્રયોગ. હવે સમગ્ર અમરેલી જિલ્લામાં કોઈ પણ શહેરના સોસાયટી, જ્ઞાતિ સમાજ કે મહોલ્લા શેરીમાં ગ્રાહક સુરક્ષા સંબંધિત કાયદા અંતર્ગત ગ્રાહકોના અધિકાર અને તેની વિશદ સમજ માટે લોક હિતાર્થ વિના મૂલ્યે અર્થાત્ ફ્રી સેમિનાર રાખવા માટે ખુલ્લુ જાહેર જનતાને ખુલ્લું આહ્વાન કરેલ છે. હા, એ માટે સમય અને સંખ્યા જેવી થોડી ઘણી શરતોને આધીન રહીને કોઈ પણ સંસ્થા કે મંડળ કે લોકપ્રતિનિધિના જવાબદાર વ્યક્તિ આ સંસ્થાનો ફોન પર સંપર્ક કરી ફ્રી સેમિનાર માટે તારીખ નિશ્ર્ચિત કરી શકે છે. આમ તો આ હાઈટેક ડીઝીટલ યુગમાં છેતરપિંડીની અનેક ઘટનાઓ બનતી જોવા મળે છે. સાંપ્રત સમયમાં ગ્રાહક ક્યાં અને ક્યારે છેતરપીંડીનો શિકાર બને તે નિશ્ચિત નથી. અને એટલે જ દરેક ગ્રાહકમાં ગ્રાહક સુરક્ષા અંગેનું સામાન્ય જ્ઞાન હોવું ખુબ જરૂરી છે. ગ્રાહકની જાગૃતિ જ આવી છેતરપિંડીઓથી લોકોને બચાવી શકે છે. કાળી મહેનત કરીને મેળવેલી કમાણીના પૈસા આવી છેતરપિંડી, હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓની ખરીદી પાછળ ન વેડફાઈ અને પોતે કમાયેલી રૂપિયાનું પૂરેપુરું વળતર મળે તે માટે પણ સરકાર દ્વારા બનાવેલ ગ્રાહક સુરક્ષા કાનૂન ૨૦૧૯ની જાણકારી મેળવવાનો દરેક નાગરિકનો અધિકાર પણ છે. અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાની એવી કાર્યપદ્ધતિ રહી છે કે ગ્રાહકોને આવા સેમિનાર યોજી સતત જાગૃત કરવા.. આમ પણ કબીર સાહેબે કહ્યું છે કે જો સોવત હૈં વહ ખોવત હૈં, જો જાગત હૈ વહ પાવત હૈં, હા એક બાબત સ્પષ્ટ છે કે કાયદો પણ તેને મદદ કરે જે જાગૃત છે. ગ્રાહક સુરક્ષા કાયદાની સમજ દ્વારા ગ્રાહકોને તેના ગ્રાહક અંગેના અધિકારથી વાકેફ કરાવી વ્યક્તિને જગાડવાનું કાર્ય એટલે ગ્રાહક જાગૃતિ અભિયાન.. આ સંદર્ભે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી સમેત સાવરકુંડલા શહેરની ગ્રાહક સુરક્ષા મંડળની ટીમ દ્વારા સમગ્ર અમરેલી જિલ્લાના ગ્રાહકોને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું છે. આ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાનો ફોન નંબર ૯૪૨૭૨૪૪૦૧૦ પર સંપર્ક કરી આપના વિસ્તારમાં ગ્રાહક સુરક્ષા સેમિનાર (નિશુલ્ક) યોજી શકાશે.
