Gujarat

આમ તો આજે વિશ્ર્વ પર્યાવરણ ડે.. આજનાં દિવસે તો સાવરકુંડલા શહેરમાં ઘણાં સ્થળોએ વૃક્ષારોપણનાં પ્રતિકાત્મક કાર્યક્રમો યોજાશે. પરંતુ આ વૃક્ષોના જતન અને ઉછેર માટે સાવરકુંડલા શહેરનાં નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ ડી. કે. પટેલને કેમ ભૂલી શકાય..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ એટલે ઠેર ઠેર વૃક્ષારોપણનાં પ્રતિકાત્મક કાર્યો થશે.. પરંતુ ખરી કસોટી તો પછી શરૂ થાય છે. વૃક્ષારોપણ તો સરળતાથી થઈ જશે વૃક્ષારોપણ કરતી અનેક તસવીરો પણ પ્રકાશિત થતી જોવા મળશે, પરંતુ ખરી વાત તો વૃક્ષોનું જતન અને ઉછેર છે. એ જ તો પડકાર રૂપ કાર્ય છે. અતિ ઉત્સાહમાં આવીને પ્રકૃતિ પ્રેમ પ્રદર્શિત તો કરી દીધો એની તસવીરો પણ હોંશે હોંશે અખબારોમાં અને ડીઝીટલ માધ્યમોમાં શેર થતી રહેશે. પરંતુ વૃક્ષ વાવ્યા પછી તેનાં ઉછેર અને સંવર્ધન માટે જીવની માફક કાર્ય કરવું પડે છે. એટલો સમય આજે આ હાઈટેક ઝડપી યુગમાં કોની પાસે હોય?  રોજબરોજ એ વૃક્ષનું જતન કરવાનો ઉત્સાહ અને પ્રેમ જાળવવો અને માત્ર તેની ખાતર દિવસનાં એક બે કલાકો રોજ ફાળવવા એ ખૂબ અઘરું કાર્ય તો ગણાય, પરંતુ જો છોડ વાવ્યો છે તો તેમાં જ રણછોડનાં દર્શન કરીને તેની રોજબરોજ એક નાનાં બાળકની જેમ જાળવણી કરવાની પ્રતિબધ્ધતા પણ દાખવવી પડશે. એક નાનાં બાળકનું જતન કરીએ બિલકુલ તેવી રીતે આ વાવેલાં વૃક્ષનું જતન કરવું પડશે તેને ખાતર પાણી પણ પર્યાપ્ત માત્રામાં પૂરાં પાડવા પડશે. અન્ય કોઈ આ નાનાં ઊગતાં છોડને કશું નુકસાન નહીં પહોંચાડે તેની પણ તકેદારી રાખવી પડશે જે આજે મોટેભાગે થતું જોવા મળતું નથી.ખાસકરીને આપણાં પવિત્ર વૃક્ષો જેવાં કે લીમડો, પીપળો, વડલો કે તુલસીનાં છોડનું વાવેતર કરવું જોઈએ જે ખૂબ જ અલ્પપ્રમાણમાં જોવા મળે છે.હા, આજે આ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું બહોળા પ્રમાણમાં હોવું પણ ખૂબ આવશ્યક છે. અને આ પર્યાવરણીય સમતુલા માટે એ આવશ્યક પણ છે. વારંવાર કુદરતી પરિબળોમાં થતાં ફેરફારોને સંતુલિત કરવા માટે પણ હવે પ્રકૃતિનું સંવર્ધન કરવું પડશે. સાવરકુંડલા શહેરમાં વૃક્ષોનું જતન કરવા માટે જેનું ખૂબ નોંધનીય યોગદાન છે તેવાં પર્યાવરણ પ્રેમી અને ગ્રીન સિટીના સપનાં સેવનાર અને તેને સાકાર કરવા માટે કઠોર પરિશ્રમ કરતાં  ડી. કે. પટેલને આજે અવશ્ય યાદ આવે. આમ તો પર્યાવરણની જાળવણી એટલે માત્ર વૃક્ષ ઉછેર જ નહીં પરંતુ વાતાવરણને દૂષિત થતું બચાવવા માટે અનેકવિધ પગલાં પણ લેવા જોઈએ. ખાસકરીને વાહનોનાં ધૂમાડાંથી પણ વાતાવરણ દૂષિત થાય છે. એ. સી. ફ્રીઝ કે અન્ય ઈલેક્ટ્રીક સાધનોનો શક્ય તેટલો સંયમિત ઉપયોગ પણ હવે કરતાં શીખવું પડશે.  પ્લાસ્ટિકની થેલીઓનો પણ ઉપયોગ કરવામાં વિવેક રાખવો પડશે. સમજ અને સંયમપૂર્વક વાહનોનો ઉપયોગ કરવો એ પણ આ પર્યાવરણ જાળવણી માટે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાતું પ્રદુષણને નિયંત્રિત કરવાનાં વિવિધ પ્રકારના પગલાં અને વિવિધ સંશોધનો દ્વારા પણ પ્રદુષણ નિયંત્રણ થઈ શકે છે. આપણાં વિસ્તાર આસપાસનું આંગણું ગંદકી મુક્ત રાખી પૂરતી સાફ સફાઈ પણ બારેમાસ કરવી જરૂરી છે. જીવનની આ  ઝાકમઝોળ છોડી થોડે ઘણે અંશે સમગ્ર માનવજગતે પ્રાકૃતિક જીવન અને આહાર વિહાર શૈલી તરફ પણ વળવું પડશે.આમ તો આ વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે શક્ય હોય તો ધૂમાડો ઓકતાં પેટ્રોલ કે ડીઝલ આધારિત વાહનોનો વપરાશ પણ સંયમિત કરવો પડશે. સાયકલ જેવા પ્રદૂષણરહિત નિર્દોષ વાહનનો ઉપયોગ પણ હવે બહોળા પ્રમાણમાં કરવો જોઈએ.આમ પર્યાવરણની જાળવણી પણ ખરેખર એક પડકારરૂપ કાર્ય તો છે, પરંતુ જો દ્રઢ સંકલ્પ કરીને મક્કમ મને નિર્ધાર કરીને  તેનું અમલીકરણ કરીએ તો પ્રદુષણથી દૂષિત ઝેરી વાતારણને અવશ્ય થોડું ઓછું તો કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *