ઝઘડીયાના ઉમલ્લામાં બેટરીની સમસ્યાના કારણે એક વર્ષથી બંધ હાલતમાં પડેલી એમ્બયુલન્સને ગામના સરપંચ તથા આગેવાનોએ શરૂ કરાવી છે. તેમણે નવી બેટરી મંગાવી આપતાં એમ્બયુલન્સ ફરી કાર્યરત થતાં ઘણા દિવસોથી હાલાકી ભોગવી રહેલાં ગામલોકોને રાહત થશે.
સરકારી ખાતું કેટલું નિંભર હોય છે તેનો દાખલો ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે જોવા મળ્યો હતો. ઉમલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રને એમ્બયુલન્સ ફાળવવામાં આવી છે. ઉમલ્લા તથા આસપાસ આવેલાં અનેક ગામડાઓના લોકો જરૂરીયાત સમયે આ એમ્બયુલન્સનો ઉપયોગ કરતાં હતાં. એમ્બયુલન્સની બેટરી બગડી જતાં તે એક વર્ષથી બંધ હાલતમાં હતી.
જેના કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને ખાનગી વાહનોનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી. એમબ્યુલન્સ આરોગ્ય કેન્દ્રના કંપાઉન્ડમાં ધુળ ખાઇ રહી હોવાની જાણ ઉમલ્લાના સરપંચ તથા અન્ય આગેવાનોને થઇ હતી. સરપંચ મુકેશ વસાવા તથા આગેવાન ડેનીશભાઇએ બેટરી મગાવી તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સમાં નંખાવી આપી છે. બેટરી નાંખતાની સાથે એમ્બયુલન્સ ચાલુ થઇ ગઇ હતી.


