બાયપાસ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં માંગ..
Qgf – ઉના શહેરમાંથી નેશનલ હાઇ-વે (NH-51) મુખ્ય માર્ગ પસાર થાય છે. અને આ નેશનલ હાઇ-વે વેરાવળ, કોડીનાર, ભાવનગર જેવા મોટા શહેરો અને આજુબાજુના ઘણા નાના – મોટા ગામોને પણ ઉના શહેર સાથે જોડે છે. દરરોજના આ માર્ગ પરથી આજુબાજુના ગામોના હજારો લોકો અને નાના – મોટા તેમજ ભારેખમ વાહનો પણ આ માર્ગ પરથી જ પસાર થાય છે. આ મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી ઉના શહેરની આજુબાજુના ગામોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ, મજૂરીકામે આવતા – જતા લોકો, ખેતીકામ માટે આવતા ખેડૂતો, સરકારી કર્મચારીઓ, વેપારીઓ, દવાખાને આવતા – જતા લોકો મોટી હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત આ મુખ્યમાર્ગ ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન બે ફૂટના ખાડાઓ પડી જાય છે. અને અવાર નવાર અકસ્માતો સર્જાય છે. પરિણામે લોકોને મોટી અને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ઉના મચ્છુન્દ્રી નદી ઉપરથી પસાર થતો પુલ પણ આ નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) હેઠળ જ આવે છે. આ પુલ ઉના તાલુકાને બીજા અન્ય ગામો સાથે સંપર્કમાં રાખે છે. આ પુલ પણ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. અને હાલ આ પુલ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોય પુલની ફરતે આવેલ રેલીંગ પણ બિસ્માર હાલતમાં છે. દરરોજના હજારો લોકો આ પુલ ઉપરથી પસાર થાય છે. તેમજ મોટા ભારવાહક વાહનો પણ આ પુલ પરથી જ પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ પુલ પર મોટા ખાડાઓ પડી જવાના કારણે અહીંથી પસાર થવામાં વાહન ચાલકોને ખુબ મુશ્કેલી પડે છે. અને જો આગળના સમયમાં પણ આ પુલની આવી જ હાલત રહેશે. અને નવો પુલ બનાવવામાં નહીં આવશે તો ભવિષ્યમાં આના પરિણામે લોકોના જાનમાલની મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાય રહી છે.
તેમજ ઉના શહેર નજીકથી પસાર થતો બાયપાસ ઓવરબ્રીજ ઉના – ભાવનગર નેશનલ હાઈ-વે (NH-51) ને ઉના – કોડીનાર નેશનલ હાઈ-વે (NH-51) સાથે જોડે છે અને હાલ આ બાયપાસ ઓવરબ્રીજની કામગીરી છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહી છે. અને એ કામગીરી પૂર્ણ થવાના આરે અંતિમ ચરણોમાં છે પરંતુ ઉના શહેરમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક ઉપર ઓવરબ્રીજ ન બનવાને કારણોસર આ બાયપાસ બનાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આ બાયપાસ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.


