ગાંધીનગર
લોકડાઉન વખતે કે.રાજેશ લાકડીથી લોકોને બેરેહમીથી મારતાં હોવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. તે વીડિયો સિવાય રાજેશ પર ૩૦ માર્ચની સવારે કરિયાણાની વસ્તુઓ ખરીદવા નીકળેલા એક પોલીસકર્મચારીના પુત્રને માર મારવાનો આરોપ છે. ફરિયાદી હરદીપ ઝાલાએ સુરેન્દ્રનગરના તત્કાલીન એસપી મહેન્દ્ર બગડિયા સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, કે.રાજેશે ઝાલાને મારવા માટે તેના કમાન્ડોને સૂચના આપી હતી. હરદીપે જણાવ્યું હતું કે, હું સાંજે લગભગ ૭.૩૦ વાગ્યે ઘરે પાછો આવ્યો ત્યારે એક કાર મારા ઘરની સામે ઊભી રહી. સુરેન્દ્રનગરનાં કલેક્ટર કે. રાજેશ અંદર બેઠા હતા. તેમનો કમાન્ડો બહાર આવ્યો અને લોકડાઉનના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ મને ધમકી આપી મારી સામે લાકડી ઉગામી. મેં તેને કહ્યું કે મને નિયમોની ખબર નથી અને હું માત્ર કરિયાણાની વસ્તુઓ ખરીદવા જ બહાર ગયો હતો. રાજેશે તેના કમાન્ડોને ઝાલાને લાકડીથી ફટકારવાની સૂચના આપી હતી. ઝાલાને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં મેડિકો-લીગલ કેસ કરવામાં આવ્યો હતો. જાે કે, સુરેન્દ્રનગર પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ કરી ન હતી.સીબીઆઇએ ભ્રષ્ટાચારના આરોપોને લઇને વિવાદાસ્પદ આઇએએસ અધિકારી કે.રાજેશની ફરતે ગાળિયો કસ્યો છે. બીજી બાજુ માર્ચ ૨૦૨૦ ના લોકડાઉન સમયગાળા દરમિયાન અધિકારીએ આચરેલી કથિત હિંસાનો કેસ હજુ પણ સુરેન્દ્રનગર પોલીસમાં પેન્ડિંગ છે.


