Gujarat

ગાંધીનગરની નર્સને પતિ અને સાસરિયાના ત્રાસથી માઈગ્રેન એટેક આવ્યો

ગાંધીનગર
ગાંધીનગરના વાવોલમાં રહેતી યુવતીના લગ્ન ૧૨મી જૂન, ૨૦૧૬ના રોજ સમાજના રીતરિવાજ મુજબ પાટણના હાશપૂરા રહેતા નિરવ મહેન્દ્રભાઈ સોલંકી સાથે થયા હતા. પરિણીતા હાલમાં ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. લગ્ન પછી પરિણીતા લગ્નજીવનના હક્કો ભોગવવા માટે સાસરી રહેવા ગઈ હતી. પરંતુ થોડા વખતમાં જ પતિ અને સાસુ સવિતાબેન, સસરા મહેન્દ્રભાઈ, બે નણંદ પાયલ, હિમાની અને તેમના પતિ બિપીન અને રજનીકાંત તેણીને દહેજ માટે મહેણાંટોણાં મારવા લાગ્યાં હતાં બાદમાં દંપતિ ચાંદખેડા કુમકુમ સોસાયટી ખાતે રહેવા આવી ગયું હતું. પરંતુ અહીં પણ પતિ તેણીને શારીરિક-માનસિક ત્રાસ આપતો રહેતો હતો. જાે કે ઘરસંસાર તૂટે નહીં તે માટે પરિણીતા બધો ત્રાસ સહન કર્યા કરતી હતી. તો બાળક ન થતાં તેને અપશબ્દો પણ સાંભળવા પડતાં હતાં. આ દરમિયાન પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોવાની જાણ થતાં ૮મી ફેબ્રુઆરીએ દંપતિ વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો. ત્યારે ઉલ્ટાનું નિરવે પત્નીને ગડદાપાટુનો માર મારી ચામડાના પટ્ટાથી ઢોર મારી પિયરમાંથી રૂ. ૧૦ લાખ દહેજ લઈ આવવાનું કહ્યું હતું. ઉપરાંત માર માર્યાની વાત કોઈને કરી તો તેણીના ભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી તેણી એકદમ ગભરાઈ ગઈ હતી. જે અંગે જાણ થતાં તેના જીજાજી તેને પિયર લઈ આવ્યા હતા. ત્યારે બપોરના સમયે નિરવ ઘરે આવીને તેને અને સાળાને મારી નાખવાની ધમકીઓ આપી બિભત્સ ગાળો બોલીને જતો રહ્યો હતો. આ ઘટનાથી ગભરાઈ ગયેલી પરિણીતાની રાત્રીના સમયે અચાનક તબિયત લથડતા તેણીને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે પરીક્ષણ કરતાં તેણીને માઈગ્રેન એટેક આવ્યો હોવાનું નિદાન કરી દાખલ કરી સઘન સારવાર શરૂ કરાઈ હતી. આ અંગે તેણીના ભાઈએ ફરિયાદ આપતા સેક્ટર-૭ પોલીસે પતિ સહિત સાત સાસરિયાં વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરમાં નોકરી કરતી નર્સને પતિ સહિત સાસરિયાંએ દહેજ માટે અનહદ ત્રાસ આપતા તેણીને માઈગ્રેન એટેક આવતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરાઈ હતી. તો પતિએ પોતાના આડા સંબંધો પકડાઈ જવા છતાં ગડદાપાટુ અને ચામડાના પટ્ટા વડે તેણીને ઢોર માર મારી અપશબ્દો કહીને રૂ. ૧૦ લાખ દહેજ માંગી સાળાને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના પગલે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *