રાજકોટ
રાજકોટ મનપાના બજેટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે ૨૩૫૫.૭૮ કરોડનું બજેટ રજૂ કર્યા બાદ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ કહ્યું હતું કે,આંકડાની માયાજાળ વાળા બજેટ પર યોજનાઓ કાગળ પર જ ચિતરાયેલી રહી છે. બજેટની ચર્ચામાં ગરમાવો આવ્યો હતો અને શાસક તથા વિપક્ષના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. તાજેતરમાં સ્ટે.કમીટી ચેરમેન પુષ્કર પટેલે કમિશ્નરના બજેટના કદમાં સામાન્ય વધારો કરી ૨૩૫૫.૭૮ કરોડના અંદાજ પત્રને મંજૂરી આપીને જનરલ બોર્ડ તરફ મોકલ્યું હતું. આ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને પુષ્કર પટેલે ભાજપ શાસનના વિકાસનું રીપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. પરંતુ બજેટમાં શહેરના વિકાસ અંગે ચર્ચા કરવાના બદલે ફરી એક વખત માત્ર આક્ષેપોમાં જ બોર્ડનો સમય પૂરો થયો હતો. અને બહુમતીથી બજેટને બહાલી આપી દેવામાં આવી હતી. બીજી તરફ માત્ર ૪ કોર્પોરેટરોના વિરોધ પક્ષ દ્વારા પણ થયેલા અને નહીં થયેલા વિકાસના મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, વશરામભાઇ સાગઠીયા દ્વારા વર્ષોથી સપનામાં રહેલા અનેક પ્રોજેકટસથી માંડી નહીં થઇ શકેલા કામોની યાદી રજૂ કરવામાં આવી હતી અને આક્ષેપ કર્યો હતો કે વિકાસનો સુરજ કાયમ ભાજપ પશ્ચિમ રાજકોટમાં જ ઉગાડે છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે રાજકોટને પુષ્કળ ગ્રાન્ટ મળતી હતી હવે કંઈ જ મળતું નથી. તેના જવાબમાં ભાજપના કોર્પોરેટર મનીષ રાડિયાએ જયરાજસિંહનો મુદ્દો ઉછાળતા વિપક્ષ નેતા વશરામ સાગઠીયા અને મનીષ રાડિયા વચ્ચે શાબ્દિક લડાઈ પણ થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનનાં જણાવ્યા અનુસાર આ બજેટમાં વિશેષ કોઈ નવી યોજનાઓ જાહેર કરવામાં આવી નથી, ગત સાલ સ્ટેન્ડિંગ કમિટીએ જે નવી યોજનાઓ બજેટમાં મંજુર કરી હતી તેમાંથી ૫૦% પ્રોજેક્ટતો હજુ શરૂ થઇ શકેલ નથી જે શાસકોની તંત્ર પરની ઢીલી પકડ અથવા તો મિલિ ભગત હોય તેવો અણસાર આવે છે. પ્રોજેક્ટનાં સમયસર અમલીકરણની બાબતમાં શાસકો નિષ્ફળ રહયા છે, અને પ્રોજેક્ટ મોડા થવાથી ક્યારેક ખર્ચમાં પણ બિનજરૂરી વધારો થાય છે અંતે તે પ્રજાએ સહન કરવો પડે છે એ હકિકત વહીવટી અણઆવડત બતાવે છે.
