Gujarat

છોટાઉદેપુર ખાતે કૃષિ  વૈવિધ્યકરણ યોજના અંતર્ગત કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો  

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ગાંધીનગરથી
કરવામાં આવેલા ઇ-શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ લાભાર્થીઓએ માણ્યું
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર ખાતેથી કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩નો ઇ-શુભારંભ કરાવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ પણ છોટાઉદેપુરના લાભાર્થીઓએ માણ્યું હતું. તેમજ લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અમલી કૃષિવૈવિધ્યકરણ યોજના અન્વયે લાભાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ જિલ્લા કલેકટર  સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં લાભાર્થીઅોને ચાર કિલો મકાઇનું બિયારણ, પચાસ કિલો ડી.એ.પી ખાતર અને પચાસ કિલો પ્રોમની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજયના આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હોવાનું જણાવી તેમણે વનબંધુ કલ્યાણ યોજનાના સુચારૂ અમલીકરણ થકી આદિવાસી વિસ્તારોમાં ખૂબ સારો વિકાસ થયો છે એમ વધુમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે પ્રયોજના વહીવટદારની કચેરીએ આગોતરૂ આયોજન કરી ખેડૂતોને વાવણી પહેલા ખાતર અને બિયારણ મળી રહેતા ખેડૂતો સમયસર વાવણી કરી શકશે એમ જણાવી તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિથી ખેડૂતોને થતા લાભો અંગે પણ વિગતે છણાવટ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ગણપતભાઇએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકારની કૃષિ અને ખેડૂતલક્ષી નીતિની સરાહના કરી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીતે યોજના અંગે વિગતે જાણકારી આપી યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ કેવા માપદંડો અનુસરવા એ અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે ઓનલાઇન અરજી કરી આ યોજનાનો લાભ લઇ શકાય છે એમ જણાવ્યું હતું. આભારવિધિ આશ્રમશાળા અધિકારીએ આટોપી હતી.
કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આયોજીત રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, તાલુકા પંચાયતના પ્રમુખો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય, પ્રયોજના વહીવટદારની કચેરીના અધિકારી/કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

24-05-2022_-krishi-vaividhykaran-kit-vitran-2.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *