રાજ્યમાં નારીવંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા.૧ થી ૭ ઓગસ્ટ સુધી મહિલા સન્માન તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો મહિલા લાભાર્થીઓને આપવાના કાર્યક્રમો યોજાનાર છે. જેમાં તા.૪ ઓગસ્ટના રોજ યોજાનાર રાજય કક્ષાના કાર્યક્રમ મહિલા નેતૃ્ત્વ દિવસની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાશે.
નારીવંદન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત તા.૨ ઓગસ્ટના રોજ ‘બેટી બચાવો બેટી પઢાવો’ સિવિલ હોસ્પિટલ, પ્રાંત કચેરીઓ અને વિવિધ બ્લોક હેલ્થ ઓફિસોમાં કાર્યક્રમો થશે. તા. ૩ ઓગસ્ટના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હોલમાં સવારે ૧૧ થી ૧૩ કલાક દરમિયાન મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાશે. તા ૪ ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢમાં શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે સવારે ૧૧ થી ૧૩ કલાક દરમિયાન યોજાશે. તા.૫ ઓગસ્ટ ના રોજ સવારે ૧૧ થી ૧૩ કલાક દરમિયાન મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કલેકટર કચેરી સભાખંડ તેમજ ભેંસાણ સરકારી શાળા અને તા.૬ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાશે . મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી તા. ૭ ઓગસ્ટના રોજ બ્લોક હેલ્થ ઓફિસ તેમજ આંગણવાડી કેન્દ્રો ખાતે અને તેની સાથે સાથે જિલ્લા કક્ષાએ યોગ શિબિરનું આયોજન કરાયું છે.
