દાહોદ
દાહોદ શહેરની નજીક ટાંડા ગામમાં ભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલુ છે. આ મંદિર સાથે આસપાસના ગ્રામજનો આસ્થાથી જાેડાયેલા છે. જેથી આ મંદિરે યોજાતા દરેક ધાર્મિક કાર્યક્રમમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટે છે. નોંધનીય છે કે તારીખ ૨૩ ફેબ્રુઆરીએ ભવાની માતાના મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રથમ દિવસે શાહી ઠાઠ સાથે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાેડાયા હતા. ત્યારબાદ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૪ ફેબ્રુઆરીએ સુપ્રસિદ્ધ કલાકાર ફરીદા મીરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં શ્રોતાઓનું કિડિયારું ઉભરાયું હતું. તેવા સમયે આ ડાયરામાં જિલ્લા ભાજપના મહામંત્રી અને એપીએમસીના ચેરમેન કનૈયાલાલ કિશોરી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત હતા. ડાયરામાં ઝુમતા લોકોએ કલાકાર પર છુટ્ટા હાથે નોટોનો વરસાદ વરસાવ્યો હતો. ત્યારે ભાજપાના મહામંત્રીએ તો ઢોલ પર બેસીને આગવી અદામાં નોટો વરસાવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે આ ગામ કોંગ્રેસના અગ્રણી નેતા અને દાહોદ વિધાનસભાના કોંગ્રેસના ઇન્ચાર્જ હરીશભાઇ નાયકનું છે. અહીં બ્રિટીશ શાસન વખતથી નાયક પરિવારનું એકચક્રિય વર્ચસ્વ છે અને આસપાસના ૨૪ ગામોમાં તેમની હાક વાગે છે. હાલના કોંગી ધારાસભ્ય પર પણ તેમને પુછ્યા વિના પાણી પણ પીતા નથી તેવુ કોંગી કાર્યકરોનું જ કહેવું છે. તેમ છતાં ડાયરામાં “માર તો મેળે જાવુ છે, મોદી હારે જાવું છે”ની રમઝટ ફરીદા મીરે બોલાવાતાં સ્વાભાવિક રીતે જ ભાજપના કાર્યકર્તાઓ તાનમાં આવી ગયા હતા, પરંતુ રાજકીય ક્ષેત્રે તેના વિવિધ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. આમ પણ હાલમાં ભાજપમાં કોંગી નેતાઓનો ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાના કેટલાક નેતાઓ પણ કોંગ્રેસની બારીમાંથી ડોકિયાં કરી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે આવનારા સમયમાં નવાજુની થાય તો નવાઇ પામવા જેવું નહી હોય તેવું રાજકીય પંડિતોનું માનવું છે.દાહોદ પાસે આવેલા ટાંડા ગામમાં ભવાનીમાતાના મંદિરે મહાયજ્ઞનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના નેતાના ગામમાં મોદીનું ગાણું ગવાતાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય ઉભો થયો છે. આ ડાયરામાં ભાજપાના નેતાઓએ પણ નોટોનો વરસાદ વરસાવ્યો હતો. જેમાં ભાજપના મહામંત્રી અને એપીએમસીના ચેરમેને ઢોલ પર બેસીને આગવી અદામાં નોટો વરસાવી હતી. નોંધનીય છે કે ડાયરામાં લોક ગાયિકા ફરીદા મીરે “માર તો મેળે જાવું છે, મોદી હારે જાવું છે”નું ગીત ઉપાડતાં કાર્યકર્તાઓ ઘેલમાં આવી ગયા હતા. જેની સાથે ટાંડામાં કોંગ્રેસના અગ્રણી નેતાનું વર્ચસ્વ હોવાથી મોદીનાં ગાણાં ગવાતાં રાજકીય ક્ષેત્રે તેના વિવિધ અર્થ કાઢવામાં આવ્યા હતા.


