નડિયાદ
નડિયાદ તાલુકાના સલુણ તળપદ ગામના હઠીપુરા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષિય રાજુ રયજીભાઈ ગોહિલનો તેના ઘરથી ૩ ખેતર દૂર હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મફતભાઈ છોટાભાઈ પરમારના ખેતરના શેઢા પરથી રાજુ ગોહિલનો અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસે મૃતકના સગાભાઈ દિનેશભાઇની ફરિયાદના આધારે મૃતકના મિત્ર ગુણવંત ઉર્ફે ભુરિયો કાંતિભાઈ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઈએ જે શકમંદ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે, તેમાં મૃતક રાજુ ગોહિલ અને શકમંદ ગુણવંત ઉર્ફે ભુરિયો પરમાર બંને મિત્રો છે. આ ગુણવંત ઉર્ફે ભુરિયો તેની મોટરસાયકલ લઈને નહેરના ગરનાળા ઉપર આવી મૃતકને બોલાવી ચાલ આપણે આવીએ છે તેમ કહી તેના મોટરસાયકલ પર બેસાડી સલૂણ ગામે લઈ ગયો હતો. આ સમગ્ર હકીકત દિનેશભાઈ જ્યારે કુદરતી હાજતે જતા હતા ત્યારે તેમણે સાંભળી હતી. જેના બાદ બીજા દિવસે જ રાજુ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી શકદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી તે રહસ્ય હજુ અકબંધ રહેવા પામ્યું છે.નડિયાદ તાલુકાના સલુણ તળપદ ગામના હઠીપુરા વિસ્તારના એક ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ હત્યાના પ્રકરણમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ હત્યાના પ્રકરણમાં મૃતકના એક શકદાર મિત્ર સામે પરિવારે આંગળી ચિંધતાં ગ્રામ્ય પોલીસે આ શકદાર સામે ગુનો નોંધ્યો છે.
