ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા માટે જગ્યાની શોધખોળ માટે ભાજપની સાથે વહીવટીતંત્ર પણ લાગી ગયું છે. વડાપ્રધાનની દરેક સભામાં 5 લાખથી વધારે લોકોને એકત્ર કરવાનો લક્ષ્યાંક હોય છે ત્યારે સભા સ્થળ માટે પણ અનુકુળ જગ્યાની જરૂર પડે છે.
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ કમાન સંભાળી છે. તેઓના ગુજરાતના પ્રવાસોમાં વધારો થયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આકાર લેનારા દેશના પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્કના ભુમિપુજન માટે તારીખ 10મી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયાં છે. તેમના કાર્યક્રમને અનુલક્ષી અત્યારથી ભાજપ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
વડાપ્રધાનની જાહેરસભામાં 5 લાખથી વધારે જનમેદની ભેગી કરવાનો લક્ષ્યાંક હોય છે અને લોકોને સભા સ્થળે લાવવા તથા લઇ જવા માટે 2,400 કરતાં વધારે એસટી બસોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં ખાનગી વાહનોમાં જનમેદની વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડતી હોય છે. આવા સંજોગોમાં સભા માટે વિશાળ પાર્કિંગ હોય તેવી જગ્યાની પસંદગી કરવામાં આવતી હોય છે.
પીએમના જંબુસર ખાતેના કાર્યક્રમ પહેલાં જાહેરસભા માટે સ્થળ પસંદગીની કવાયત ચાલી રહી છે. ભરૂચ કલેકટર, એસપી સહિતના અધિકારીઓ તથા જિલ્લા ભાજપની ટીમે અંકલેશ્વર હાઇવે પર અમરતપુરા ગામ પાસે જયાં હવાઇ પટ્ટી બની રહી છે તે જગ્યાની મુલાકાત લઇ શકયતાઓ ચકાસી હતી. વડાપ્રધાનની સભા સ્થળ માટે હાઇવેની આસપાસની જગ્યાઓની વધારે પસંદગી કરવામાં આવતી હોય છે.
2017 બાદ વડાપ્રધાન ફરી એક ભરૂચ જિલ્લાના પ્રવાસે આવી રહયાં છે. તેમના આવકારમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે ભાજપની સાથે વહીવટીતંત્ર પણ ધ્યાન રાખી રહયું છે. અગાઉ જંબુસર નજીક પણ સભાસ્થળની જગ્યા જોવા માટે સાંસદ સહિતના પદાધિકારીઓ જંબુસર પહોંચ્યાં હતાં. ચુંટણીઓ પણ આવી રહી છે ત્યારે વડાપ્રધાનની ભરૂચ જિલ્લાની મુલાકાતને પણ ઘણી સુચક ગણવામાં આવી રહી છે અને તેની પાછળ રાજકીય ગણતરીઓ પણ છે.


