દેવભુમિ દ્વારકા માં કાળઝાળ ગરમી : બજારમાં કર્ફયુનો માહોલ રહ્યો છે .
દેવભુમિ દ્વારકા તેમજ ગુજરાતભરમાં ચાલુ વર્ષે ગગનમાંથી અગનગોળા વરસતા ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા છે . દેવભુમિ દ્વારકા માં છેલ્લા એક અઠવાડીયાથી ગરમીનો પારો ૪૩ ડીગ્રી આસમપાસ પહોંચી જતાં અબાલ વૃધ્ધ , નાના બાળકો,પશુ ,પંખી માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે . વધતી જતી ગરમીને લીધે રસ્તાઓ ઉપર વાહનોની અને લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે . રસ્તાઓ સુમસામ બની જતાં કર્ફયુ લદાયો હોય તેવો માહોલ સર્જાઈ જાય છે . સવારના દસ વાગ્યા પછી આકાશમાંથી સુર્યનારાયણ અગન વર્ષા શરૂ કરી દેતાં ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ શરૂ કરી દે છે . કુદરતે ૧૪૪ ની કલમ લગાવી હોય તેમ દેવભૂમિ દ્વારકાની બજારોમાં રસ્તાઓમાં સ્વયંભુ કરફયુ લાગી ગયો હોય તેવું વાતાવરણ જોવા મળે છે . કૃત્રિમ ઠંડક આપતા એ.સી. , કુલર , પંખાનો વપરાશ વધ્યો છે . દેવભૂમિ દ્વારકામાં ઠેર ઠેર પાણીની પરબો ધમધમવા લાગી હતી . આ ઉપરાંત લોકો આઈસ્ક્રીમ , લીબુ સરબત , ગોલા , શેરડીનો રસ પીવા ધસારો કરતા જોવા મળ્યા હતા . ઘરની આગળ પાણીના કુંડા મુકવા વૃધ્ધો દ્વારા યુવાનોને અપીલ કરવામાં આવી હતી .
અહેવાલ વજસી વરવારીયા
મોટા આસોટા


