સંખેડા
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાં, કોતરો છલકાતાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. તો નસવાડી તાલુકાનાં ૧૨ ગામ અને કવાંટના બે રસ્તા બંધ કરાયાં હતાં. સંખેડા તાલુકામાં આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી. ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલાં પાણેછ અને કડાછલા સંપર્કવિહોણા બન્યાં હતાં. જાેકે એસડીઆરએફની ટીમ દ્વારા મોડી રાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતાં તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ખળખળ વહેતી થઈ છે. ઓરસંગ નદીના પાણીની આવકને કારણે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટનાં ૨૮ જેટલાં પગથિયાં પાણીમાં ગરકાવ થયાં છે. છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુર પંથક સહિત ઉપરવાસમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે.છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે તમામ નદી-નાળાં છલકાઈ ગયાં છે, ત્યારે સંખેડા પાસેથી પસાર થતી ઉચ્છ નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે. ઉચ્છ નદી કાંઠે આવેલા ઐતિહાસિક અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ આજે અચાનક તૂટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં દેખાય છે કે માત્ર ૫ સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો હતો. બોડેલીના પાણેજ પાસે પણ તારાજીનાં દૃશ્યો જાેવા મળ્યાં હતા. પાણેજ પાસે નેશનલ હાઇવે પર રોડ તણાઈને બીજી બાજુમાં ખસી ગયો હતો. નેશનલ હાઈવેનો ટુકડો તૂટીને બીજી દિશામાં આવતાં પાણીના પ્રવાહનો અંદાજ લગાવી શકાય છે.


