રાજકોટ
રાજકોટ શહેરના નાનામવા મેઈન રોડ પર રાજનગર સોસાયટી શેરી નં. ૪માં રહેતા અને કોટક બેન્કમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિક પ્રવિણભાઈ વાજા (ઉં.વ.૩૧) જન્માષ્ટમીના તહેવારોની રજામાં પરિવાર સાથે ગોવા ફરવા ગયા બાદ પાછળથી તેના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૬.૪૫ લાખની ચોરી કરી ગયાની માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદમાં હાર્દીકભાઇ એ જણાવ્યા મુજબ ગત તા. ૧૮ ઓગસ્ટના રોજ તેઓ પરીવાર સાથે ગોવા ફરવા ગયા હતા. ગોવાથી ફરીને ઘરે પહોંચીને જાેતા લોખંડના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલું જાેવા મળ્યું હતું. અને અંદર હોલના દરવાજાનો લોક પણ તૂટેલો જાેવા મળ્યો હતો. હોલમાંથી પ્રવેશ કરી ડાયનીંગ હોલમાં જતાં બેડરૂમનો દરવાજાે ખુલ્લો મળ્યો હતો. જેમાં રહેલો લાકડાનો કબાટ પણ ખુલ્લો જાેવા મળ્યો હતો. કબાટ અંદરનો સામાન વેરવિખેર હતો. કબાટમાં જાેતા સોનાની બુટી અને રોકડા રૂ. ૪૦,૦૦૦ ગાયબ હતા. તેના પિતાના રૂમમા પણ કબાટનો લોક તૂટેલો હતો. કબાટમાંથી તેની દાદીના જુના ઘરેણામાં સોનાની બુટી, બે સોનાના ચેઈન, સોનાની ચાર બંગડી, તેના પિતાની બચતના રૂ. ૩.૫૦ લાખ ચોરાઈ ગયા હતા. આ રીતે કુલ રૂ. ૨.૫૫ લાખના દાગીના અને રૂ. ૩.૯૦ લાખની રોકડની ચોરી થઈ હતી. જેથી આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરતા ગુનો દાખલ કર્યો હતો. હાલ માલવીયાનગર પોલીસે સોસાયટીમાં રહેલ કેમેરા તેમજ આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસી તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.


