ભુજ
રાપર તાલુકાના રણની સરહદે આવેલા છેવાડાનાશિરાનીવાંઢ ગામમાં પાયાની સુવિધાનો અભાવ જાેવા મળે છે. આ ગામમાં દર વખતે યુવા સરપંચ આવે છે અને દર વખતે યુવા સરપંચ દ્વારા વિકાસના કામો માટે સરકાર સમક્ષ રજૂઆત કરી વિકાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોળી સમાજના લોકો કે જેઓ અગાઉ આદિવાસી સમાજના લાભ મેળવતા તે હવે નથી મળી રહ્યા. સરકાર દ્વારા આ લાભ બંધ કરી સામાન્ય લાભ આપવામાં આવી રહ્યા છે. ત્યારે હાલના યુવાન સરપંચ હરેશ ભાઈ મોહનભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે આ ગામની બે હજારની વસ્તી છે. ૪૩૦૦નું પશુધન છે અને ૨૫૦ બાળકો ધોરણ એકથી આઠ સુધી અભ્યાસ કરે છે. ૪૦૦ જેટલા લોકો ખેડૂત ખાતેદાર છે અને આવક માત્ર ચોમાસુ આધારિત ખેતી પર ર્નિભર છે. આ વિસ્તારના પરા સમાન જાેધરાઈ વાંઢ, જીવા વાંઢ, અખિયાણી વાંઢ વિસ્તારમાં પાણી, રસ્તા અને લાઈટનો અભાવ છે. તો બાલાસરથી જાેધરાઈ વાંઢનો નવ કિલોમીટરના રસ્તાને ડામર રોડ બનાવવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તો અમરસિભાઈ કોળીએ જણાવ્યું હતું કે આ ગામનું સિંચાઈનું હદારુ તળાવ કે જે પુરાઈ ગયું છે, તે ઉંડુ કરવામાં આવે તો શિરાનીવાંઢ, લોંદ્રાણી, વેરસરા સહિતના ગામોની પંદરસો એકર જમીનને પિયત માટેનું પાણી મળે. ઉપરાંત નંદાસરથી રવ દેશળપર, બાલાસર, લોંદ્રાણી, શિરાનીવાંઢ સુધીની નર્મદા પેટા કેનાલ બનાવવામાં આવે તો નંદાસરથી ખદીર સુધીના ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે, ઉપરાંત સિંચાઈ માટે પાણી પણ ખેડૂતોને મળી રહે તેવી રજૂઆત કરાઈ હતી. ગામની શાળામાં અઢીસો વિદ્યાર્થીઓ છે, પરંતુ બે શિક્ષકોની ઘટ છે. ઉપરાંત શિરાનીવાંઢની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જાય છે અને રૂમો જર્જરીત હાલતમાં છે, એટલે નવી શાળા બનાવી જરૂરી છે. રાપર ડેપોની એક પણ એસ.ટી બસ નથી આવતી. ભુજ-અંજાર ડેપોની ધોળાવીરા જતી બે બસ આવે છે. તે પણ એક બસ રાપરથી શરૂ થાય તો લોકોને લાભ મળે તેમ છે. આ વિસ્તારની આસપાસ સફેદ રણ આવેલું છે, કુદરતી સૌંદર્યથી ભરપુર પૌરાણિક રીતે તેમજ જિયોલોજિકલ વિસ્તાર પણ સારો છે. જાે પ્રવાસન ક્ષેત્રે કામગીરી હાથ ધરવામાં આવે તો ગામનો વિકાસ થઈ જાય અને શિક્ષિત યુવાનોને રોજગારી મળે તેમ છે. શિરાનીવાંઢની આસપાસના જંગલ વિસ્તાર તેમજ ડુંગરાળ વિસ્તાર અને રણ વિસ્તારમાં જાે સંશોધન હાથ ધરવામાં આવે તો પૌરાણિક, ધાર્મિક અને જિયોલોજિકલ તેમજ સિંધુ સંસ્કૃતિના અવશેષો મળી આવે તેવી શક્યતા છે. રણ વિસ્તારમાં જાે પ્રવાસન ક્ષેત્રે કામગીરી હાથ ધરવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી મળે તેમ છે. પચાસ કિલોમીટરના વિસ્તારોમાં સફેદ રણ, વન્ય પ્રાણીઓ અને ફલેમિંગોનો નજારો જાેવા મળે છે. આમ પાયાની સુવિધાથી વંચિત રાપર તાલુકાનું છેવાડાનું આ ગામ વિકાસ માટે ઝંખના સેવી રહ્યું છે.
