Gujarat

સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ દાંતા તાલુકાના આદિજાતિ પરિવારો આર્થિક પગભર બન્યાઃ આદિજાતિ બહેનો પશુપાલન દ્વારા સારી આવક મેળવે છે

સરકારે અમને ભેંસ આપી, દૂધના વ્યવસાયથી અમારી સુખ-સમૃધ્ધ વધી   લાભાર્થી :- શ્રી મનીષાબેન કોદરવી
સંકલિત ડેરી વિકાસ યોજનાથી અંતરીયાળ વિસ્તારમાં દૂધની આવક બમણી થઇઃ  –ઉણોદરા દૂધ ડેરીના મંત્રીશ્રી મંગાજી ચૌહાણ
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આ વર્ષે દાંતા તાલુકામાં ૧૮૩૦ બહેનોને ભેંસો અપાઇઃ —પ્રોજેક્ટ ઓફિસરશ્રી ર્ડા. પ્રકાશભાઇ ચૌધરી
 ગુજરાતના પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારો એટલે મહદઅંશે ડુંગરાળ અને જંગલ વિસ્તાર. આદિજાતિ વિસ્તારોના ઝડપી, સર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સહિત સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે. આદિજાતિ વિસ્તારોમાં રૂબરૂ જઇને જોઇએ ત્યારે વિકાસ અને જાગૃતિનો સુંદર અનુભવ થાય. ઠેર ઠેર પાકા ડામર રસ્તાઓ, પુરતી સંખ્યામાં શાળાઓ અને હોસ્ટેલો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પીવાના પાણીની સગવડ સહિત તમામ સુવિધા સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
          તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ, માર્ગદર્શન અને સક્રિય પ્રયાસોથી આદિજાતિ વિસ્તારો સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં ઝડપી અને સર્વાગી વિકાસ તેમજ સુશાસનથી ગુજરાત વિશ્વકક્ષાએ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઝડપી નિર્ણયો અને પ્રગતિશીલ અભિગમથી રાજય સરકારશ્રીના વિવિધ અભિયાનો અને યોજનાઓથી રાજયની વિકાસકૂચ વેગવંતી બની છે.
          પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલ આદિજાતિ મહિલાઓ પણ સ્વનિર્ભર બની સારી આવક મેળવી શકે તથા પશુપાલનના વ્યવસાયમાં રોજગારી વધારવા માટે સરકારશ્રીની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા તાલુકા માટે અમલમાં મુકવામાં આવેલી છે. આદિવાસી કુંટુંબો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય દ્વારા કાયમી આવક મેળવતા થાય તે હેતુથી આ યોજના અમલી બનાવાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર કચેરીના નિયંત્રણ હેઠળ બનાસ ડેરી દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.
           આ યોજના અન્વયે આદિજાતિ કુંટુંબને બે દૂધાળા પશુ તેમજ આનુસાંગિક લાભ જેવા કે, વાસણની કીટ, પશુ વીમો, પશુ દાણ, ટ્રાન્સ્પોર્ટેશન, પશુ સારવાર અને તાલીમ આપવામાં આવે છે. આ યોજનામાં આદિજાતિ મહિલા લાભાર્થીઓને બે ભેંસો આપવામાં આવે છે. એક ભેંસની માન્ય કિંમત રૂ. ૫૪,૪૦૦/- છે. જેમાં ભારત સરકારશ્રી દ્વારા રૂ. ૧૭,૪૦૦/- ની સહાય અને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧૫,૦૦૦/-ની સહાય અપાય છે તથા ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા રૂ.૨૦,૦૦૦/- ની ૬ ટકાના સાદા વ્યાજની લોન આપવામાં આવે છે અને રૂ. ૨,૦૦૦/- લાભાર્થીનો ફાળો હોય છે. આદિજાતિ બહેનો આ યોજનાનો લાભ મેળવવા ગ્રામ્યકક્ષાએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે.
             દાંતા તાલુકાના બાણોદરા ગામના વતની અને આ યોજનાના લાભાર્થી શ્રીમતી મનીષાબેન વિનોદભાઇ કોદરવીએ જણાવ્યું કે, સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા સ્પેશ્યલ હેઠળ અમને ભેંસ આપવામાં આવી છે. સરકારશ્રીની આ યોજનામાં અમને ભેંસ મળતા અમે ઉણોદરા દૂધ મંડળીમાં દૂધ ભરાવીએ છીએ. પગાર નિયમિત મળે છે એટલે ઘરનું સંચાલન સારી રીતે કરી શકીએ છીએ અને છોકરા પણ ભણાવીએ છીએ. તેમણે કહ્યું કે, સરકારે અમને ભેંસ આપી એટલે દૂધના વ્યવસાયથી અમારી સુખ-સમૃધ્ધ વધી છે.
         નવાવાસ કાંટ ગામના લાભાર્થી શ્રીમતી સંગીતાબેન જવાનભાઇ ગમારે આનંદભર્યા સ્વરે હસતાં હસતાં પ્રતિભાવ આપતાં કહ્યુ કે, આ યોજના હેઠળ સરકારશ્રીએ અમને ભેંસો આપી છે તેનાથી અમારો પરિવાર સુખી થયો છે. અમે ઉણોદરા દૂધ મંડળીમાં દૂધ ભરાવીએ છીએ. દર પંદર દિવસે દૂધનો પગાર મળતા બાળકોને ભણાવીએ છીએ અને ઘરનું સંચાલન સારી રીતે કરીએ છીએ.
          દાંતા તાલુકાના ઉણોદરા ગામની દૂધ મંડળીના મંત્રીશ્રી મંગાજી સરતાનજી ચૌહાણે જણાવ્યું કે, સંકલિત ડેરી વિકાસ યોજના- દાંતા સ્પેશ્યલના અમલીકરણ પહેલાં અમારી મંડળીમાં ૭૦૦ થી ૮૦૦ લીટર દૂધ આવતુ હતુ. આ યોજનાના અમલીકરણ પછી દૈનિક ૧૫૦૦ લીટર દૂધ આવે છે. એટલે કે સંકલિત ડેરી વિકાસ યોજનાથી અંતરીયાળ વિસ્તારમાં દૂધની આવક બમણી થઇ છે. અમારા ગામમાં આ યોજના હેઠળ ૭૫ જેટલાં આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવી છે. જેનાથી આ વિસ્તારમાં સુખદ પરિવર્તન આવી રહ્યું છે. આવી યોજનાઓ આદિજાતિ બહેનો માટે આશીર્વાદરૂપ છે તેમ તેમણે જણાવ્યું હતુ.
           સંકલિત ડેરી વિકાસ યોજના- દાંતા સ્પેશ્યલ અંતર્ગત બનાસ ડેરીના પ્રોજેક્ટ ઓફિસરશ્રી ર્ડા. પ્રકાશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, સરકારશ્રીની આ યોજના માટે બનાસ ડેરી અમલીકરણ સંસ્થા છે. આ વર્ષે ૩૫૦૦ના લક્ષ્યાંવક સામે ૧૮૩૦ આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવી છે અને બાકીનો લક્ષ્યાંતક પૂર્ણ કરવાનું આયોજન છે. જેનાથી આ વિસ્તારમાં દૂધની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20220218-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *