સુરત
સુરત શહેરમાં આંગણવાડી વર્કર ઘણી મહિલાઓ ૧૫થી ૨૦ વર્ષથી ફરજ બજાવી રહી છે. છતાં પણ તેમને વેતન ખૂબ જ ઓછું આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો મહિલાઓએ કર્યો છે. આંગણવાડી વર્કર પાસેથી અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જેમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સગર્ભાઓને નાસ્તો પહોંચાડવો, કોરોના સંક્રમણ કાળ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા તેમને બે વર્ષ સુધી સર્વેની અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા તેમને અલગથી મહેનતાણું ચૂકવવાની પણ વાત થઈ હતી. છતાં તેમને કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. આંગણવાડી વર્કર રેખા પાટીલે જણાવ્યું કે, ગાંધીનગર ખાતે બાળ વિકાસ કમિશનર સાથે અમારી બેઠક કરવામાં આવી હતી. જે દરમિયાન અમે અમારા માનદવેતનને ૧૮,૦૦૦ કરવા માટે બજેટમાં સ્થાન આપવામાં આવે તે પ્રકારની પણ ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે બાળ વિકાસ કમિશનર દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું કે, અમારી પહોંચાડવામાં આવશે. પરંતુ બજેટ રજૂ થયા બાદ અમે ખૂબ જ નિરાશ થયા છે. પરિણામે આજે અમે બજેટના પૂતળાદહન કરવાનો પ્રયાસ કર્યો હતો. શાસકોના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આગામી દિવસોમાં અમે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું વિચારી રહ્યા છે.સુરતના લિંબાયતમાં નીલગીરી સર્કલ ખાતે આજે ૫૦૦ કરતાં વધારે આંગણવાડી બહેનો એકત્રિત થઈને બજેટના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં ફરી એક વખત આંગણવાડી સાથે જાેડાયેલી મહિલાઓની માંગ પૂર્ણ કરવામાં આવી નથી. આંગણવાડી મહિલાઓએ માનદ વેતન તરીકે ૧૮,૦૦૦ રૂપિયાની માંગ કરી હતી. પરંતુ હજી પણ માત્ર ૭૮૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમજ હેલ્પર બહેનોને ૪૨૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. સુરત શહેરમાં અંદાજે ૨૦૦૦ કરતાં વધારે આંગણવાડી બહેનો કામ કરે છે. શહેરમાં ૧૦૨૨ જેટલી આંગણવાડીઓ કાર્યરત છે.


