કાનપુર
ઉત્તર પ્રદેશમાં એક બેકાબૂ ઈલેક્ટ્રિક બસે રાત્રે અનેક વાહનોને ટક્કર મારી. આ ઘટના રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે ટોટ મિલ ચારરસ્તા પાસે બની હતી. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પૂર્વ કાનપુરના ડીસીપી પ્રમોદ કુમારે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માતમાં ૬ લોકોના મોત થયાની માહિતી મળી છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. બસ ડ્રાઇવરની શોધ અને રાહત કાર્ય ચાલુ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પ્રાથમિક તપાસમાં બસ ચાલકની ભૂલ જાેવા મળી છે. પોલીસ ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. મૃતકોમાં માત્ર ૩ લોકોની ઓળખ થઈ શકી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કાનપુરથી માર્ગ અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે કાનપુર બસ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચારથી તેઓ ખૂબ જ દુઃખી છે. આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
