વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતેથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ દેશભરમાંથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયેલ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા કેળવણીકારો સાથે અભ્યાસ તથા પરીક્ષા સંબંધી ચર્ચાઓ કરી વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોનું સરળ અને સહજ શૈલીમાં સદ્રષ્ટાંત ઉતરો આપી માર્ગદર્શન કર્યું હતું. આ પ્રસંગે જામનગરના નારણપરની શ્રી એચ.એમ. નંદા હાઈસ્કૂલ ખાતેથી રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ પરીક્ષા તથા અભ્યાસલક્ષી પ્રશ્નો જેવા કે પરીક્ષામાં તણાવ કઈ રીતે દૂર કરવો, સોશિયલ મીડિયાનો ઉપયોગ તથા દુરુપયોગ, વાંચેલું યાદ ન રહેવું, સમય બદ્ધતા કઈ રીતે કેળવવી, પરીક્ષામાં ચોરીનું દૂષણ કઈ રીતે દૂર કરવું, એક સામાન્ય વિદ્યાર્થી કઈ રીતે અસામાન્ય પરિણામ લાવી શકે, જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે કઈ રીતે લડવું વગેરે જેવા અનેક પ્રશ્નોના ખૂબ જ સરળ અને સહજ શૈલીમાં જવાબો આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
વિદ્યાર્થીઓને ઉત્તર આપતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે દબાણ હેઠળ ન આવી મુક્ત મને પરીક્ષાઓ આપવી જોઈએ. વિદ્યાર્થીએ પોતાના લક્ષ્યને પામવા સખત મહેનત અને યોગ્ય સમય વ્યવસ્થાપન વડે સતત આગળ વધતા રહેવું જોઈએ તેમ જણાવી હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક વચ્ચેનો તફાવત સમજાવી જીવનમાં બંનેનું શું મહત્વ છે તે વિશે જાણકારી આપી હતી. વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત વાલીઓને પણ બાળકની ક્ષમતા પારખવા અને તેના પર અકારણ દબાણ ઊભું ન થાય તે જોવા જણાવ્યું હતું.
આ પ્રસંગે નારણપર ખાતેથી કાર્યક્રમમાં જોડાયેલ રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના પરીક્ષા પે ચર્ચા નામના આ નવતર કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી જે તણાવ અનુભવે છે તેનો સ્વસ્થ મનથી સામનો કરવાની તેઓને હિંમત મળશે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના વિદ્ધતા સભર જવાબો આપી વડાપ્રધાનશ્રીએ સૌને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આગામી માર્ચ મહિનાથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વડાપ્રધાનશ્રીનું આ માર્ગદર્શન ચોક્કસપણે વિદ્યાર્થીઓને મદદરૂપ થશે તેમ જણાવી ઉજ્જવળ કારકિર્દી બનાવવા દ્રઢ નિર્ણય, શાંત અને તળાવ મુક્ત મન અને સખત મહેનત વડે જીવન પથ પર સતત આગળ વધવા મંત્રીશ્રીએ પ્રેરણા પૂરી પાડી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છત્રપાલસિંહ જાડેજા, શ્રી રમેશભાઇ મુંગરા, શ્રી બાબાલાલ હરવરા, શ્રી મહેશભાઇ ચાંન્દ્રા, શ્રી પ્રવિણભાઇ ચાંન્દ્રા, શ્રી મનસુખભાઇ ફલીયા, શ્રી વિજયભાઇ નંદા, શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી મુકુંદભાઇ સભાયા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


