એક મહાત્મા એક વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરતા હતા.તેઓ રોજ એક કઠીયારાને લાકડાં કાપતાં જોતા હતા.એક દિવસ તેમને કઠીયારાને પોતાની પાસે બોલાવીને કહ્યું કે ભાઇ તમે આખો દિવસ લાકડા કાપો છો તેમ છતાં બે ટાઇમનો રોટલો મળતો નથી.તમે થોડા આગળ કેમ જતા નથી? કેમકે આગળ ચંદનનું વન છે.તમે એક દિવસ ચંદનના લાકડા કાપીને લાવશો તો અઠવાડીયા સુધી ગુજરાન ચાલશે.
ગરીબ કઠીયારાને મહાત્માના વચન ઉપર વિશ્વાસ આવતો નથી કારણ કે તે વિચારતો હતો કે આ જંગલને હું જેટલું સારી રીતે જાણું છું તેટલું કોઇ જાણતું નથી.આ જંગલમાં લાકડા કાપતાં કાપતાં મારી આખી જીંદગી પસાર થઇ છે અને આ મહાત્મા તો અહીયાં ઝાડ નીચે બેસી રહે છે તેમને શું ખબર પડે !
મહાત્માની વાત માનવાનું મન થતું નથી તેમછતાં તેને વિચાર્યું કે આગળ જવામાં વાંધો શું છે કદાચ મહાત્મા કહે છે તે સાચું હોય અને આગળ ચંદનના વૃક્ષોનું વન હોઇ પણ શકે ! આ મહાત્મા શાંત લાગે છે,મસ્ત માનવ લાગે છે,તેઓ ક્યારેય આ પહેલાં મારી વાત પણ કરી નથી તો ચાલો એકવાર તેમની વાતમાં વિશ્વાસ મુકી પ્રયોગ કરી જોઇએ.
મહાત્માની વાત ઉપર વિશ્વાસ મુકીને તે જંગલમાં આગળ જાય છે અને ખુબ ચંદનના લાકડા લઇને પાછો આવીને મહાત્માના શ્રીચરણોમાં માથું મુકી ક્ષમા માંગે છે કે મેં આપની વાત ઉપર શંકા કરી કારણ કે હું એવું વિચારતો હતો કે આ જંગલના વિશે મારાથી વધુ કોઇ જાણતું નથી પરંતુ વાસ્તવમાં મને ચંદનના લાકડાની પરખ જ નહોતી.મારા પિતાજી પણ કઠીયારા હતા,તેમના બાપ પણ કઠીયારા હતા.અમોએ જલાઉં લાકડાં કાપી કાપીને અમારી જીંદગી પુરી કરી તેમછતાં અમોને ચંદનના લાકડાની ઓળખાણ જ ન થઇ અને કદાચ અમોને ચંદનના ઝાડ મળી જતા તો પણ અમે તેને કાપીને જલાઉ લાકડા તરીકે બજારમાં વેચી દેતા.આપે ચંદનના ઝાડની ઓળખાણ બતાવી,તેની સુગંધ વિશે મને બતાવ્યું ત્યારે હું તેને ઓળખી શક્યો છું.
હું કેટલો અભાગી છું..કાશ ! મને પહેલાંથી ચંદનના લાકડાની ખબર હોત ! ત્યારે મહાત્મા કહે છે કે ચિંતા ન કરો જાગ્યા ત્યારથી સવાર..આમ કઠીયારાના દિવસ ઘણા જ સુખ શાંતિ અને આરામથી પસાર થવા લાગ્યા.એક દિવસ જંગલમાંથી ચંદનના લાકડા કાપી લાવતો અને આઠ-દશ દિવસ ફરીથી જંગલમાં જવાની જરૂર પડતી ન હતી.
ફરીથી એક દિવસ મહાત્મા કહે છે કે મારા ભાઇ મને એમ કે તારામાં અક્કલ આવી ગઇ હશે. જીંદગીભર તું લાકડા કાપીને વેચતો રહ્યો પરંતુ તેનાથી આગળ વધ્યો નથી.તને ક્યારેય એવો પ્રશ્ન મનમાં થયો છે કે આ ચંદનના વનથી આગળ પણ કંઇક હશે? ત્યારે કઠીયારો કહે છે કે મને ક્યારેય આવો વિચાર તો આવ્યો જ નથી કે ચંદનના વનથી આગળ પણ કંઇક હશે !
મહાત્માએ કહ્યું કે ચંદનના વનથી થોડા આગળ જશો તો ત્યાં ચાંદીની ખાણ છે.હવે લાકડાં કાપીને વેચવાનું બંધ કરો અને આગળ વધો.એક દિવસ લઇ આવશો તો ચાર-છ મહિના સુધી બેઠા બેઠા ખાશો. હવે કઠીયારાને મહાત્માના વચન ઉપર વિશ્વાસ આવી ગયો હતો તેથી તે ભાગ્યો તો તેને ચાંદી મળી અને ખુશીથી નાચી ઉઠ્યો પરંતુ માનવનું મન એવું મૂઢ છે કે તેને એવો વિચાર ન આવ્યો કે આનાથી આગળ જઇશ તો આનાથી સારૂં મળી શકવાની સંભાવના છે.
એક દિવસ મહાત્માએ કહ્યું કે તને ચાંદી મળી તો આગળ જવાનું વિચારતો જ નથી? મૂર્ખ તેનાથી આગળ જઇશ તો ત્યાં સોનાની ખાણો છે.હવે તને ચાંદી મળી ગઇ તો છ મહિના આરામથી કોઇપણ કામ કર્યા વિના પડી રહે છે.મહાત્માના વચન ઉપર વિશ્વાસ કરીને આગળ જાય છે તો સોનાની ખાણ અને તેનાથી આગળ જતાં હીરાની ખાણ મળે છે.હવે તે અમીર બની જાય છે.કઠીયારાએ હવે તો મહેલ બનાવી દીધો અને ઘણી જ આરામદાયક જીંદગી જીવવા લાગ્યો હતો.
એક દિવસ મહાત્મા કહે છે કે હે નાદાન ! નાસમજ ! તું હીરા મળ્યા પછી ત્યાં જ રોકાઇ ગયો? હવે તો કઠીયારો ધનવાન બની ગયો હતો તેથી તેનામાં અભિમાન આવી ગયું હતું તેથી મહાત્માને કહે છે કે હવે તમે મને હેરાન ના કરશો.હવે હીરાથી કિંમતી તો કોઇ ચીજ છે જ નહી? ત્યારે મહાત્મા કહે છે કે બેટા ! હીરાથી આગળ હું છું.તારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો ખરો કે જેને સોના-ચાંદી અને હીરાની ખાણોની ખબર હોવા છતાં તેને લીધા નથી તો તેમની પાસે હીરાથી પણ કિંમતી કંઇ વસ્તું હશે? ત્યારે કઠીયારો રડવા લાગે છે અને મહાત્માના શ્રીચરણોમાં માથું મુકીને કહે છે કે હું કેટલો મૂઢ છું કે મને આવો પ્રશ્ન જ ના થયો.
ત્યારે મહાત્મા કહે છે કે હીરાથી પણ અનમોલ કોઇ ચીજ હોય છે તે આત્મા છે.જે પરમાત્માનો સનાતન અંશ છે.કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સંત સદગુરૂની શરણાગતિ સ્વીકારી એક પ્રભુ પરમાત્માને જાણીને,કણકણમાં તેને માનીને પ્રભુમય જીવન જીવવું અને તેમનું ધ્યાન કરવું એ મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય છે.


