રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ માળીયાહાટીના તાલુકાના શાંતિપરા ગામે સીમશાળાની બાજુમાં આવેલ નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર -૨નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે તકતી અનાવરણ અને રીબીન કાપીને આંગણવાડી કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. ઉપરાંત મનરેગા યોજના હેઠળ નવનિર્મિત આંગણવાડીનું નિરીક્ષણ કરીને આ નંદ ઘરના ભૂલકાઓને લાડ સાથે ફ્રુટનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાને જિલ્લામાં બાળ વિકાસ માટેની ગતિવિધિઓ અને ઝડપભેર આંગણવાડી કેન્દ્રના નિર્માણ કાર્યોથી વાકેફ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, શાંતિપુરા ગામના સરપંચ શ્રી કાનાભાઈ જોટવા સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
