ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લા સેવાસદન ખાતે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિ અંગે તેમજ અન્ન સલામતી વિશેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વાજબી ભાવની દુકાનના દુકાનદારને ફાળવેલ આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સમયસર ઉપાડે છે કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સિવાય નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને તોલમાપની કચેરીની કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગાંધીનગર જિલ્લામાં ઓગષ્ટ-૨૦૨૩માં કુલ- ૧૬૮૨૮૧ રેશનકાર્ડધારકો પૈકી ૧૬૩૨૫૬ રેશનકાર્ડધારકોને આવશ્યક ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં ૯૯.૭૫% એન.એફ.એસ.એ રેશનકાર્ડધારકોના આધારસીડીંગની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટે ઓગષ્ટ-૨૦૨૩માં મળેલી કુલ ૬૨૨ અરજીઓ પૈકી ૩૮૭ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. લોકોને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સરળતાથી મળી રહે, સંગ્રહખોરી, નફાખોરી કે કાળા બજાર થાય નહિ તે માટે જિલ્લા તપાસણી એકમ દ્વારા સતત ચાપતી નજર રાખવામાં આવી રહી છે. ઓગષ્ટ-૨૦૨૩ના સમયગાળામાં કુલ ૮૭ વાજબી ભાવની દુકાનોની તેમજ ૨ ગોડાઉનોની તપાસણી હાથ ધરવામાં તપાસણી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની ૫ વાજબી ભાવની દુકાનો દ્વારા કરવામાં આવેલ ગેરરીતિ અન્વયે કુલ રૂ.૫૮૫૬૪/- નો દંડ કરવામાં આવ્યો છે, રૂ.૯૪૯૬ નો જથ્થો તથા રૂ.૧૫૦૦૦૦/- ની કિંમતનું વાહન રાજ્યસાત કરવામાં આવ્યો છે. તેમજ ૧ વાજબી ભાવની દુકાનનો પરવાનો મોકુફ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં કુલ-૨૪૯ ગ્રામ્ય તકેદારી સમિતી પૈકી ૨૪૬ ગ્રામ્ય તકેદારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે તથા ૧૦૭ શહેરી તકેદારી સમિતી પૈકી ૧૦૭ શહેરી તકેદારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. તેમજ ૪ તાલુકા તકેદારી સમિતી પૈકી ૪ તાલુકા તકેદારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. તેમજ ઓગષ્ટ-૨૦૨૩ મા ૯૪ ગ્રામ્ય તકેદારી સમિતી તથા ૪૭ શહેરી તકેદારી સમિતી તથા ૨ તાલુકા તકેદારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પંડયા, ગાંધીનગરના મામલતદાર એચ. એમ. પટેલ, માણસાના મામલતદાર ડૉ. વિશાલ પટેલ, કલોલના મામલતદાર જેમીની ગઢિયા, દહેગામના મામલતદાર આર. આર. કપૂર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડ્ર્ગ ઇન્સ્પેક્ટર તથા ફુડ સેફ્ટી ઓફિસર, કાનુની માપ વિજ્ઞાન કચેરીના મદદનીશ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

