ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ શુક્રવારે રમાયેલી એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટની બાંગ્લાદેશ સામેની મેચમાં એક વિકેટ ખેરવી તે સાથે તે વન-જે કારકિર્દીમાં બે હજાર રન અને ૨૦૦ વિકેટની બેવડી સિદ્ધિ હાંસલ કરનારો ભારતનો બીજાે અને વિશ્વનો ૧૪મો ઓલરાઉન્ડર બન્યો હતો. જાડેજા તેની કારકિર્દીની ૧૮૨મી મેચ રમી રહ્યો હતો. આ મેચ અગાઉ તે ૨૫૭૮ રન અને ૧૯૯ વિકેટ ખેરવી ચૂક્યો હતો. આમ આ બેવડી સિદ્ધિ નોંધાવવા માટે તેને શુક્રવારે એક વિકેટની જરૂર હતી. બાંગ્લાદેશના શમીમ હુસૈનને આઉટ કરીને તેણે કારકિર્દીની ૨૦૦મી વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજા અગાઉ ભારત માટે એકમાત્ર કપિલદેવે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ૧૯૯૪માં નિવૃત્ત થતાં અગાઉ મહાન ઓલરાઉન્ડર કપિલદેવે ૨૨૫ મેચમાં ૩૭૮૩ રન ફટકારવા ઉપરાંત ૨૫૩ વિકેટ ઝડપી હતી.

