ગિરનાર પર પડેલા ભારે વરસાદના કારણે પાણીના પ્રચંડ પ્રવાહથી જૂનાગઢના મોતીબાગ નજીક વર્કશોપનો માલ સામાન તણાઈ ગયાના પ્રાથમિક અહેવાલ છે.
જુનાગઢ એસટી વિભાગના ૪૦૦૦ થી વધુ ટાયર ,સ્ક્રેપ તેમજ ૮૦ જેટલા ઓઇલના બેરલ તણાઈ ગયા છે.
મોતીબાગ થી ટીંબાવાડી સુધીના મુખ્ય માર્ગ પર તેમજ આસપાસની સોસાયટીમાં ટાયર એકત્ર કરી રસ્તા ખુલ્લા કરવા માટે રાત્રે એસટી વિભાગે વેરાવળ સહિતના ડેપો માંથી ટીમો બોલાવીને કામગીરી શરૂ કરી છે.
એસટી વિભાગના અધિકારી મિકેનિક એન્જિનિયરે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં નવ ટ્રક ટાયર એકત્ર કરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારોમાં હજુ ટાયર એકત્ર કરવાની કામગીરી ચાલુ છે. એસટી વર્કશોપ માંથી અન્ય સામાન પણ તણાઈ ગયો છે.
જુનાગઢ એસટી વિભાગે તાત્કાલિક ટાયર એકત્ર કરવાની અને રસ્તા ખુલ્લા કરી ટ્રાફિક વ્યવહાર શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. આ કામગીરીમાં પોલીસ મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ ની ટીમ પણ જોડાઈ છે. જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તેમજ મ્યુનિસિપલ કમિશનર, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓ પણ માર્ગદર્શન આપી રહ્યા છે. શહેરમાં વિવિધ સ્થળોએ ટીમો બનાવવામાં આવી છે.
