ફેરકુવા ગામના ગ્રામજનો ને છેલ્લા બે દિવસથી ટેન્કર મારફતે અન્ય ગામોમાંથી પાણી લાવવાનો વારો આવ્યો
ઉનાળાની શરૂઆત થતા જ છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં પાણીના લેવલો અચાનક ઊંડે સુધી પહોંચતા પાણીનું સંકટ ઘેરાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.બોડેલી તાલુકાના ફેરકુવા જૂથ ગ્રામ પંચાયતમાં ગ્રામજનોને જે બોરમાંથી પાણી આપવામાં આવતું હતું તે બોરમાં રહેલ પાણીના લેવલ અચાનક ઊંડા ઉતરતા પાણીનું સંકટ ઘેરાયું છે.ગ્રામ પંચાયત ઘ્વારા તાત્કાલિક હેઠળથી ૪૫૦ ફૂટ બોર ઊંડો કરવામાં આવ્યો પણ ટીપું પાણી ન નીકળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.ગ્રામજનોને છેલ્લા બે દિવસથી ટેન્કર મારફતે અન્ય ગામોમાંથી પાણી લાવવાનો વારો આવ્યો છે.ફેરકુવા ગામના યુવા આગેવાન સંજયભાઈ એ પાણીના પ્રશ્નને લઈને જણાવ્યું કે ફેરકુવાથી લઈને નાના અમાદરા,વાલપરી,કોઠીયા સુધીનો વિસ્તાર રેડ ઝોનમાં આવે છે અહીંયા ૬૫૦ ફૂટ ઊંડા બોર કરવા છતાં જમીનમાંથી પાણીનું ટીપુંય મળતું નથી.સરકાર ઘ્વારા નલ સે જલ યોજનાનું કામ પેપર પર પૂરું થયાનો પોકળ દાવો કરવામાં આવી રહ્યો છે.પરંતુ જમીની હકીકતમાં આ કામગીરી પૂર્ણ થયું નથી અને ગામોના સંપ સુધી પાણી પહોંચ્યું નથી.હાલ કારમો ઉનાળો શરુ થયો છે.નદી,નાળા અને તળાવો પાણી વિના સુકાતા બોર,કૂવાના લેવલો અચાનક ઊંડા ઉતારતા ગ્રામજનોને પાણીની સમસ્યા સર્જાઈ છે.પાણી પુરવઠા અને સિંચાઇના અધિકારીઓ પાણીની સમસ્યાને લઈને આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાકેફ હોવા છતાં સરકાર કે ઉપલા અધિકારી સુધી સાચી માહિતી ન પહોંચાડતા હોવાથી દર વર્ષે આ વિસ્તારના ગામોને પારાવાર પાણીની સમસ્યા વેઠવાનો વારો આવે છે.નર્મદાની મુખ્ય કેનાલ આ વિસ્તારના ગામોથી ૩.૫ કી.મી.ના અંતરે આવેલી છે.અડધા કિલોમીટરના અંતરે ૧૦૦ એકરમાં કુંદનપુર સિંચાઈ તળાવ આવેલ છે સરકારમાં અવારનવાર આ તળાવને ઉનાળામાં પશુ,પંખીઓ અને ગ્રામજનોના હિતમાં ભરી આપવામાં આવે તો ૧૫ થી વધુ ગામોના બોર,કૂવાના જળસ્તર ઉપર આવતા પ્રશ્ન હલ થાય તેમ છે.હાલ ફેરકુવાના ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે.અને ટેન્કરથી પાણી લાવવા મજબુર બન્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


