Gujarat

સોમનાથ દાદાના દર્શન કરી પાછા ફરતા સોની પરિવારને કાળ નડ્યો, બે ભાઈ સહિત ત્રણનાં મોત, આઠ ઘાયલ

ભુજ-ભચાઉ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે ભાઇઓ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે આઠ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઇ

આ ગોઝારા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ભૂજ-ભચાઉ ધોરી માર્ગ પર આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દીવ-સોમનાથથી દર્શન કરી પરત માધાપર આવતા સોની પરિવારની તુફાન જીપકારને પધ્ધર નજીક સૂઝલોન અને બીકેટી કંપની વચ્ચે અકસ્માત નડ્યો હતો. જેમાં માર્ગ પર કૂતરું આડું ઉતરતા તેને બચાવવા જતા જીપકાર ડાબી તરફના પુલિયાની દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

બે ભાઇઓ સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત

તુફાન ડિવાઇડર સાથે અથડાતા કારમાં સવાર માધાપરના સોની પરિવારના ત્રણ સભ્યોના ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જ્યારે આઠ સભ્યોને હળવાથી ભારે પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને ભુજની જીકે જનરલ અને ખાનગી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાંઆવ્યા છે. અકસ્માતની પ્રાથમિક માહિતીના આધારે પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતમાં જીવ ગુમાવનાર માધાપર ગામની બાપા દયાળુ સોસાયટીમાં રહેતા દિનેશ સુરેન્દ્ર સોની, તેમના ભાઈ મનોજ સુરેન્દ્ર સોની અને દિલીપ હિરજી સોની નું ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય આઠ લોકોને ગંભીર હળવાથી ભારે પ્રકારની ઇજા પહોંચી હતી. ઘાયલોને 108 મારફતે સરકારી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર દીવ ફરીને સોમનાથ દર્શન કરીને પરત ફરતા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.