સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કોચ મોર્ને મોર્કલ ભારતના બોલિંગ કોચ બનવાની રેસમાં છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ઇચ્છે છે કે મોર્કલ ભારતનો બોલિંગ કોચ બને.
ક્રિકબઝના અહેવાલ મુજબ, ગંભીરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને બોલિંગ કોચના પદ માટે મોર્કલને ધ્યાનમાં લેવા વિનંતી કરી છે. રિપોર્ટ અનુસાર મોર્કલ સાથે કેટલીક ચર્ચાઓ થઈ છે.
ગંભીર અને મોર્કલ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)માં સાથે કામ કરી ચૂક્યા છે. ગંભીર બે વર્ષથી લખનઉનો મેન્ટર છે, જ્યારે મોર્કલ હજુ પણ બોલિંગ કોચ છે.
મોર્કલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
મોર્ને મોર્કેલ 2006 થી 2018 વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 86 ટેસ્ટ, 117 વન-ડે અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
મોર્કલ પાકિસ્તાનના બોલિંગ કોચ રહી ચૂક્યો છે
મોર્કલ પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલિંગ કોચ રહી ચૂક્યો છે. વર્લ્ડ કપ 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ તેણે પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મોર્કલ ગયા જૂનમાં છ મહિનાના કરાર પર ટીમમાં જોડાયો હતો અને કરાર પૂરો થતાં પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.