ભારતના પશ્ચિમ છેવાડે સ્થિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કાળીયા ઠાકરની કર્મભૂમિ દ્વારીકાનગરમાં પવિત્ર પુરૂષોત્તમ માસમાં શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. દેશ અને વિદેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અધિક માસ દરમિયાન પવિત્ર ગોમતી નદીના પાવન તટ, જગતમંદિર પરિસર તેમજ દ્વારકા દર્શન સર્કિટ અંતર્ગત આવેલા વિવિધ ધાર્મિક અને પર્યટન સ્થળોએ ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી.એક અંદાઝ પ્રમાણે અધિક માસ દરમિયાન દરરોજ સરેરાશ 56,667 જેટલા લોકોએ ભગવાન દ્વારકાધીશજીના દર્શન કર્યા હતા.
દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ ગત તા.17મી મેથી તા.15મી જુર દરમિયાન અંદાઝીત 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના દર્શન આશીર્વાદ મેળવ્યા હતા.
અધિક માસના પવિત્ર અવસરે ભાવિકોએ કાળિયા ઠાકોર પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા વ્યક્ત કરતા મંદિરમાં ઠાકોરજીના ચરણોમાં રૂા. 3.70 કરોડથી વધુ રકમનુ રોકડ અને અન્ય સ્વરૂપે દાન અર્પણ કર્યું હતું.
બીજી બાજુ અધિક માસ દરમિયાન હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી વિવિધ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મંદિર પરિસર સહિત સમગ્ર દ્વારકાધામ જય દ્વારકાધીશના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને દિવસભર ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું.

