Gujarat

માલવાહક રિક્ષાચાલક પાસેથી રૂ.50ની લાંચ લીધી હતી

રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ લવજીભાઈ મકવાણા અને તેમના વતી વહિવટ કરતા ખાનગી વ્યક્તિ દિપકભાઈ કાન્તિભાઈ પરમારને લાંચ કેસમાં તકસીરવાન ઠેરવી સેશન્સ કોર્ટે આરોપી બિપીનભાઈ મકવાણાને 10 વર્ષની સખત કેદ અને રૂ.3 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે મદદગારી કરનાર દિપકભાઈ પરમારને 7 વર્ષની સખત કેદ અને રૂ.2 લાખના દંડની સજા ફટકારી છે.

આરોપીએ ગેરકાયદેસર રીતે રૂ.50ની લાંચની માંગણી કરી હતી વર્ષ 2018માં રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોટલ ક્રિષ્ના પાર્કથી કુવાડવા પોલીસ ચોકી સુધીના માર્ગ પર એસીબી દ્વારા લાંચનું ડિકોય છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ડિકોય ટ્રેપ દરમિયાન, ડિકોયરની માલવાહક રિક્ષાને આરોપી દિપકભાઈ પરમારે ઊભી રખાવી હતી અને તેણે ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર રીતે રૂ.50ની લાંચની માંગણી કરી હતી અને તે રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકાર્યાના પુરાવા રૂપે તેણે ડિકોયરને માર્ચ 2018ના માસનું એક કાર્ડ આપ્યું હતું જેના આધારે એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

પોલીસની ગાડીમાંથી 569 કાર્ડ મળ્યા હતા ​તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં આરોપી દિપકભાઈ પાસેથી અન્ય 16 કાર્ડ મળી આવ્યા હતા. એટલું જ નહીં, આરોપી બિપીનભાઈ મકવાણાના હસ્તકની સરકારી જીપની પાછળની સીટ નીચેથી પણ કુલ 569 કાર્ડ મળી આવ્યા હતા. આ પુરાવાઓ સાબિત કરતા હતા કે પોલીસ હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈએ પોતાના પદનો દુરુપયોગ કરી, પ્રજાજન દિપકભાઈની મદદથી ઉઘરાણું કરવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. આ અંગે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.