રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સીકલીગર ગેંગના બે રીઢા સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ગોંડલ શહેરમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી હતી. તેમની ચોરી કરવાની પદ્ધતિ અનોખી હતી, જેમાં તેઓ લક્ઝરી કારમાં આવીને બાઈક ચોરી કરતા અને પછી તે બાઈક પર રેકી કરીને બંધ મકાનોને નિશાન બનાવતા હતા.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી LCBની ટીમે ગોંડલના વ્રજ વાટીકા એપાર્ટમેન્ટમાં થયેલી ઘરફોડ ચોરી અને વાહન ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે વંથલી વિસ્તારમાંથી બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં નાનકસિંગ ઉર્ફે કુલદિપસિંગ ટાંક (ઉં.વ. 45, રહે. સુરત) અને જશબીરસિંગ ઉર્ફે જગવીરસિંગ ટાંક (ઉં.વ. 25, રહે. વંથલી) નો સમાવેશ થાય છે.

આ ગેંગની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તસ્કરો પોતાની ઝાયલો કાર લઈને ચોક્કસ વિસ્તારમાં પહોંચતા અને પોલીસથી બચવા માટે કારને કોઈ અવાવરું જગ્યાએ પાર્ક કરી દેતા. ત્યારબાદ તેઓ તે જ વિસ્તારમાંથી એક બાઈકની ચોરી કરતા અને તે બાઈક પર સવાર થઈ આસપાસના રહેણાંક મકાનોમાં રેકી કરતા. જે મકાનમાં તાળા લટકતા હોય તેને નિશાન બનાવી, લોખંડના સળિયાથી તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ તેઓ ચોરીનું બાઈક રસ્તામાં જ ફેંકી દઈ પોતાની કારમાં સવાર થઈને ફરાર થઈ જતા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. 2 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, એક આઇફોન 15 પ્લસ મોબાઈલ, ચોરાયેલ 2 બાઈક (હોન્ડા લીવો અને સ્પ્લેન્ડર), ગુનામાં વપરાયેલ મહિન્દ્રા ઝાયલો કાર, રોકડ રકમ અને ચોરી કરવા માટેના સાધનો (ડીસમીસ અને સળિયા) મળી કુલ રૂ. 3,05,400/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

