વેપારી કોમ સિંધી સમાજમાં પરિવર્તનનો વાયરો: મહિલા સંચાલિત માર્કેટ ઊભી કરાઈ..
ઉના સોમનાથ બાગના મેદાનમાં યોજાયેલા આ પ્રકલ્પમાં ખાણી-પીણીના સ્ટોલ સહિત ગૃહ ઉદ્યોગ તેમજ હસ્તકલાની ચીજો, ઉપરાંત લેડીઝવેરની આનુસંગિક ચીજવસ્તુઓ વેચવા માટે સિંધી સમાજની મહિલાઓ એક દિવસ માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાયું હતું. જેમાં વાજબી ભાવથી વેચાણ કરવામાં આવ્યું હતું.
સિંધી સમાજમાં નારીશક્તિને બળવંત કરી તેમને પ્રગતિના પંથે આગળ ધપાવવા અને સ્વાવલંબનનાં માર્ગે આત્મનિર્ભર બનાવવા માટે ઉના સિંધી સમાજના માર્ગદર્શન હેઠળ મહિલા મંડળ દ્વારા મહિલાઓ માટેના નવા પ્રકલ્પ હેતુ સિંધી બજાર ઊભી કરાઈ હતી. સામાન્યત વેપારી કોમ ગણાતા સિંધી સમાજમાં પુરુષો બાદ હવે સ્ત્રીઓ પણ આવા પ્રકલ્પો થકી આત્મનિર્ભર બનશે. ત્યારે સિંધી સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેવું જોવા મળે છે. એક દિવસ માટે ઉના સોમનાથ બાગના મેદાનમાં યોજાયેલા આ પ્રકલ્પમાં ખાણી-પીણીના સ્ટોલ સહિત ગૃહ ઉદ્યોગ તેમજ હસ્તકલાની ચીજો, ઉપરાંત લેડીઝવેરની આનુસંગિક ચીજવસ્તુઓ વેચવા માટે સિંધી સમાજની મહિલાઓ માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાયું હતું. જેમાં વાજબી ભાવથી વેચાણ થયું હતું. તેમ ખરીદી કરનાર સર્વ સમાજની મહિલાઓએ જણાવ્યું હતું. ખરીદી કરવા નિર્ધારિત સમય કરતા મોડે સુધી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી. સ્ત્રીઓને પ્રોત્સાહિત કરતા પ્રાયોગિક ધોરણે થયેલ આવા પ્રકલ્પો સિંધી સમાજ દ્વારા સમયાંતરે થતા રહે તેવી ઈચ્છા મહિલા અગ્રણીઓ ગીતાબેન જેઠવાણી, હિરૂબેન ટીલવાણી, કાંતાબેન ઠક્કર, મંજુબેન જેઠવાણી, હંસાબેન ગોપલાણી, દુર્ગાબેન પમનાણી, લતાબેન જુમાણી સહિતે વ્યક્ત કરી હતી.
બોક્ષ્ – આત્મનિર્ભર નારીના પ્રયાસને બિરદાવતા આગેવાનો
મહિલાઓને આત્મનિર્ભર બનાવતા આ પ્રકલ્પની અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કાળુભાઈ સુખવાણીએ મુક્તમને સરાહના કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, સિંધી સમાજની સ્ત્રીઓને ઘરના ઉંબરેથી અંતરીક્ષ સુધી પહોંચી શકે તે માટેની તકોનું નિર્માણ કરી તેમને સ્વાવલંબી બનાવવાની છે અને તે માટે સ્ત્રીઓએ પણ જાગૃત થઈને પોતાની જાતને સશક્ત બનાવવા કમર કસવી પડશે. નારીશક્તિના દિશાસૂચક આ પ્રયાસને બિરદાવતા પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈશ્વરલાલ જેઠવાણીએ કહ્યું કે, કોઈપણ સમાજની પ્રગતિનો આધાર તે સમાજની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. સિંધી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.નારીને નારાયણી બનાવતા આ પ્રકલ્પ માટે પોતાનો રાજીપો વ્યક્ત કરતા સૌરાષ્ટ્ર પ્રાંત લાડી લોહાણા સિંધી પંચાયતના સંગઠન મંત્રી વિજયભાઈ કમવાણીએ જણાવ્યું કે, આવા અવનવા પ્રકલ્પોના સથવારે જ નારીઓની ક્ષમતાઓને ઓળખી તેમને સમાજના વિકાસ અને સ્વાવલંબનનાં માર્ગે આત્મનિર્ભર બનાવવા માટે અનેક માર્ગો મોકળા કરી શકાય છે. આ કાર્યક્રમમાં સિંધી સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી અને મહામંત્રી કમલેશભાઈ જુમાણીએ મુલાકાત લીધી હતી…


