Gujarat

શહેરમાં રોડ પર લોખંડની ઝાળીના દબાણ, માર્ગો સાંકડા

જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરતી જાય છે. એમાં પણ ખાસ કરીને જૂના જામનગરમાં તો આ સમસ્યાએ માઝા મૂકી છે. ત્યારે મુખ્ય વિસ્તારમાં આવેલી દુકાનો પાસે રોડ પર ખુલ્લી જગ્યાઓ કે જ્યાં ટુ વ્હીલર પાર્કિંગ થઈ શકે ત્યાં વેપારીઓ દ્વારા લોખંડની ઝાળી મૂકી કરાતા દબાણને કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને આનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે.

માંડવી ટાવર

જામનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક શિરદર્દ સમાન બની ગઈ છે. વધતા જતા વાહનો અને બાંધકામોના કારણે સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જૂના જામનગરમાં ખાસ કરીને બેડી ગેઈટ, દીપક ટોકીઝ, ચાંદી બજાર, લીંડી બજાર, માંડવી ટાવર, હવાઈ ચોક વગેરે વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા ખૂબજ રહે છે. આ બધા વચ્ચે અહીં વેપારીઓ દ્વારા દુકાનની બહાર રોડ પર લોખંડની મોટી ઝાળીઓ ખડકી દેવામાં આવી છે. જેના કારણે વાહનો રહી શકતા નથી અને ટ્રાફિક સમસ્યામાં વધારો થાય છે.

લીંડી બજાર

મહાનગરપાલિકા દ્વારા દેખાવ ખાતર આવી ઝાળીઓ ઉપાડવામાં આવે છે પરંતુ ગેરકાયદેસર ઝાળીઓનું આ દબાણ ટ્રાફિક માટે એક મુસીબત બન્યું છે. તંત્ર દ્વારા આવી ઝાળીઓ દૂર કરવામાં આવે તેવી માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતા જૂના જામનગરમાં નાની દેખાતી આ સમસ્યાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

ઝાળીઓના કારણે દંડાતા લોકો

​​​​​​​ દુકાનદારો અને વેપારીઓ દ્વારા મૂકવામાં આવતી લોખંડની ઝાળીઓના કારણે અહીં આવતા લોકો પોતાના ટુ વ્હીલર વાહનને ફરજિયાત રોડ પર રાખવાની ફરજ પડે છે. જેના કારણે તેઓ આડા અવળા થાય કે તરત ટોઈંગ વાહન દ્વારા આ વાહનો કબજે કરવામાં આવે છે. જેનો દંડ લોકોએ ભરવો પડે છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા પ્રવર્તી રહી છે. આમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવતા તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. આથી મનપાની આ ઢીલાશથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે.

ઝાળીઓ માટે ખાસ ડ્રાઈવ રાખવામાં આવશે: એસ્ટેટ અધિકારી

જામનગર શહેરમાં દુકાનોની બહાર રાખવામાં આવતી ઝાળીઓ અંગેની ફરિયાદો જ્યારે પણ અમને મળી છે ત્યારે અમે લોકોએ કામગીરી કરી છે પરંતુ હવે આવી ઝાળીઓ હટાવવા માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવશે. આ ઉપરાંત વેપારીઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. – એન.આર. દિક્ષીત, એસ્ટેટ અધિકારી, જામનગર મહાનગરપાલિકા.